Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૭૫
આનંદઘનચોવીશી (ચાલુ) શુદ્ધચૈતન્યભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય.
ધનધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યાં હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમકે અર્પણ ક૨ના૨ આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઇ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે ૫૨મ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘનસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે. (૬)(પૃ. ૫૭૨-૪)
પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થંકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઇચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિઘ્ન દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે; અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગૃત રહે એવી ભાવના ચિંતવે છે.
પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ;
જે તેં જીત્યા રે, તેણે હું જીતિયો રે, પુરુષ કિસ્સું મુજ નામ ? પંથડો (૧)
હે સખી ! બીજા તીર્થંકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક્ ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે, જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તો સત્ય છે, કેમકે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે, સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે તરૂપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તરૂપ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન ! તમારું નામ અજિત તે તો સાચું છે; પણ મારું નામ પુરુષ તે તો ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષનો તમે જય કર્યો તેથી તમે અજિત કહેવાવા યોગ્ય છો, પણ તે જ દોષોએ મને જીતી લીધો છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય ? (૧)
ચરણ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર;
જેણે નયણ કરી મારગ જોવિયે રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ (૨)
હે સખી ! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઇએ. ચર્મ નેત્રે કરીને જોતો છતો તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. તે પરમ તત્ત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઇએ તે દિવ્ય નેત્રનો, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિયોગ થઇ પડયો છે.
હે સખી ! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલો માર્ગ કંઇ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદૃષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે