Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૯૩
૨. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે.
૩. નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે.
સમકિત (ચાલુ)
પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગપુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે. (પૃ. ૫૭૦)
ગયા કાગળમાં (પત્રાંક ૭૫૧) અત્રેથી ત્રણ પ્રકારનાં સમકિત જણાવ્યાં હતાં. તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જો તે સમકિત વમે, તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર હોય.
ક્ષયોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તો તે જીવ વમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય તો તે વમાય નહીં; ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ કરે અને કોઇએક જીવની અપેક્ષાએ ક્વચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય, તો ચાર ભવ થવાનો સંભવ છે; ઘણું કરીને કોઇક જીવને આમ બને છે.
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઇ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઇક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે.
પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આશા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઇ વીતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઇક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઇએક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઇક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. (પૃ. ૫૯૮-૯)
ત્રણે પ્રકારનાં સમક્તિમાંથી ગમે તે પ્રકારનું સમક્તિ આવે તોપણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જો તે સમક્તિ આવ્યા પછી જીવ વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ થઇને મોક્ષ થાય.
તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમકિત કહ્યું છે એમ કંઇ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમકિત કહ્યું છે. એ સમકિત પામ્યા પછી જો વસ્યું ન હોય તો વધારેમાં વધારે પંદર ભવ થાય.