Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સંવર (ચાલુ)
૩૦
જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. (પૃ. ૬૯૮)
સંવેગ
સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઇ ઇચ્છા નહીં તે. (પૃ. ૭૧૬)
મુક્ત થયા સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે ‘સંવેગ’. (પૃ. ૨૨૬) સંશય
D ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે (અનિત્ય પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિથી થયેલ મોહગ્રંથિ છેદવાના) વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઇ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ ક૨વાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસા૨પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. (પૃ. ૪૫૩)
જીવના અસ્તિત્વપણાનો તો કોઇ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
જીવનાં નિત્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઇ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
જીવનાં ચૈતન્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઇ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
તેને કોઇ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઇ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
.
તે બંધની નિવૃત્તિ કોઇ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતનો કોઇ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઇ પણ કાળે સંશય નહીં થાય. (પૃ. ૭૯૦)
સંસાર
જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકો તોપણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદપરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. (પૃ. ૩૬૩)
સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. (પૃ. ૪૪૯)
D જન્મ, જરા, મરણાદિક દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઇ શકતી નથી, અને સંગના મોઢે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. (પૃ. ૪૫૪)
સંસારના પ્રસંગોમાં ક્વચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઇ પછી વૈરાગ્ય આવે છે;