Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ભ્રાંતિ (ચાલ)
૪૧૮ અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે
સ્પષ્ટ એવો અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. (પૃ. ૩૬૬-૭) D અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી
શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. (પૃ. ૬૨૧) D ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. (પૃ. ૭૧૨)
જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય
સાચાં છે, યથાર્થ છે.' એમ સમજે તો સહેજે દોષ ઘટે. (પૃ. ૬૯૬) | બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ
વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહામ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે
કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. (પૃ. ૩૧૮) T બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાવદશા ઓળખવી. (પૃ. ૬૯૬) વસ્તુતઃ બે વસ્તુઓ છે. જીવ અને અજીવ. સુવર્ણનામ લોકોએ કલ્પિત આપ્યું. તેની ભસ્મ થઈને પેટમાં ગયું. વિષ્ટા પરિણમી ખાતર થયું; ક્ષેત્રમાં ઊગ્યું; ધાન્ય થયું; લોકોએ ખાધું; કાળાંતરે લોઢું થયું. વસ્તુતઃ એક દ્રવ્યના જુદા જુદા પર્યાયોને કલ્પનારૂપે જુદાં જુદાં નામ અપાયાં. એક દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયો વડે લોક ભ્રાંતિમાં પડી ગયું. એ ભ્રાંતિએ મમતાને જન્મ આપ્યો. રૂપિયા વસ્તુતઃ છે, છતાં લેણદાર દેણદારને મિથ્યા ઝઘડા થાય છે. લેણદારની અધીરાઈથી એને મન રૂપિયા ગયા જાણે છે. વસ્તુતઃ રૂપિયા છે, તેમ જ જુદી જુદી કલ્પનાએ ભ્રમજાળ પાથરી દીધી છે, તેમાંથી જીવ-અજીવનો, જડ-ચૈતન્યનો ભેદ કરવો એ વિકટ થઇ પડયું છે. ભ્રમજાળ યથાર્થ લક્ષમાં ઊતરે, તો
જડ-ચૈતન્ય ક્ષીર-નીરવત્ ભિન્ન સ્પષ્ટ ભાસે. (પૃ. ૬૬૯) D ખોટી ભ્રાંતિ થાય તે શંકા. (પૃ. ૭૦૬)