________________
મુમુક્ષુતા (ચાલુ)
૪૫૦
D જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટયા કરે. સંસા૨માં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પડયા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઇ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઇ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં; પણ અધોદશા થવી ઘટે. વળી સત્સંગનો કંઇ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતાં વાર નથી લાગતી. (પૃ. ૩૯૭)
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઇ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. (પૃ. ૪૯૧)
D આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઇ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઇ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને ક૨વા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. (પૃ. ૩૧૮)
વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છેઃ જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઇ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના ક૨વા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. (પૃ. ૪૧૫)
શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઇ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે.
જ્યાં આવા પ્રતિકૂળ યોગ (જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિઇચ્છક ગુરુઓ,કાળનું દુષમપણું) વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઇએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઇ પ્રવાહમાં ન તણાઇ જવાય. વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો.
મુમુક્ષુ જીવમાં શમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને ૫૨માર્થમાર્ગ અવશ્ય સમજાય છે. (પૃ. ૩૬૧)
રૂ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (પૃ. ૫૫૭)