Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૭૧
યજ્ઞ
D `પ્ર૦ પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું ?
૦ પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઇશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કંઇક પુણ્યહેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદન યોગ્ય નથી. (પૃ. ૪૨૮)
યતિ
યતિ = ધ્યાનમાં સ્થિર થઇ શ્રેણિ માંડનાર. (પૃ. ૭૮૩) સંસારનો પાર પામે તે યતિ (જતિ). (પૃ. ૬૭૮)
યથાપ્રવૃતિકરણ
યત્ના
જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જયાં બેદ૨કારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનનો વગર ખંખેર્યે, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજયાપ્રમાર્જયા વગર રહેવા દીધેલાં ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિક ફળ થાય છે, અને મહાપાપનાં કારણ પણ થઇ પડે છે.
એ માટે થઇને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો. એથી દ્રવ્યે અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધન ખંખેરીને નાંખવાં એ કંઇ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે.
પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. (પૃ. ૭૭)
યત્નાથી ચાલવું. (પૃ. ૧૨)
યથાપ્રવૃતિકરણ
યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઇએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે ક૨વો શ્રેયભૂત છે. (પૃ. ૪૬૨)
` સંબંધિત શિર્ષક : ગુણકરણ