________________
૪૩૩
માયા (ચાલ) | (પૃ. ૨૭૯). જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવી સજીવનમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિતું કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલિન હતી; દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઇ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાતુ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. (પૃ. ૨૬૮). અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ
સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માથાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. (પૃ. ૩૧૩-૪). ભકિતની રીતિ જાણી નથી. આજ્ઞાભકિત થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું. માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીતે જાણે છે. જયારે જ્ઞાનીનો ત્યાગ (હૃઢ ત્યાગ) આવે અર્થાત જેવો જોઇએ તેવો યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલવી દે છે; માટે ત્યાં બરાબર જાગૃત રહેવું; જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું; ભેઠ બાંધી તૈયાર થઈ રહેવું. સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે; અને સત્સંગનો યોગ મટયો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાહ્ય ઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાગ શ્રેષ્ઠ છે. સત્યમાર્ગને આરાધના કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યા જ કરવો. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દૃષ્ટાંતઃ કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે “હું માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વિચરીશ.” ત્યારે માયાએ કહ્યું કે “હું તારી આગળ ને આગળ ચાલીશ.” “જંગલમાં એકલો વિચરીશ” એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, “હું સામી થઇશ.” સંન્યાસી પછી જંગલમાં રહેતા. અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા. પછી માયાને કહ્યું કે તું કયાં છે?' માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢયો છે એટલે કહ્યું કે “મારે આવવાનું શું કામ છે ? મારો મોટો પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો હતો.”