Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૧૯
મત
મત
2 સ્યાદ્વાદ શૈલીએ જોતાં કોઇ મત અસત્ય નથી. (પૃ. ૧૫૮)
આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ એ મતભેદો કંઇ કંઇ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલોક વિચાર કરીએ.
કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે; કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે; કેટલાક ક્રિયાને કહે છે; કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે.
એ ધર્મમતસ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. બાકીના સધળા મતો અસત્ય અને કુતર્કવાદી છે; પરસ્પર તેથી તે મતવાદીઓએ યોગ્ય કે અયોગ્ય ખંડન કર્યું છે..વેદાંતના ઉપદેશક આ જ બોધે છે; સાંખ્યનો પણ આ જ બોધ છે. બુદ્ધનો પણ આ જ બોધ છે; ન્યાયમતવાળાનો પણ આ જ બોધ છે; વૈશેષિકનો આ જ બોધ છે; શક્તિપંથીનો આ જ બોધ છે; વૈષ્ણવાદિકનો આ જ બોધ છે; ઇસ્લામીનો આ જ બોધ છે; અને ક્રાઇસ્ટનો આ જ બોધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શો વિચાર કરવો ?
વાદી પ્રતિવાદી બન્ને સાચા હોતા નથી, તેમ બન્ને ખોટા હોતા નથી. બહુ તો વાદી કંઇક વધારે સાચો અને પ્રતિવાદી કંઇક ઓછો ખોટો હોય. કેવળ બન્નેની વાત ખોટી હોવી ન જોઇએ. આમ વિચાર કરતાં તો એક ધર્મમત સાચો ઠરે; અને બાકીના ખોટા ઠરે.
જિજ્ઞાસુ એ એક આશ્ચર્યકારક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જો સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક ઠરીએ અને ધર્મની સચ્ચાઇ જાય. આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઇ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યક્તા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ તો તે વાત સિદ્ધ કરી બતાવવી જોઇએ. સર્વ સત્ય કહીએ તો તો એ રેતીની ભીંત કરી; કારણ તો આટલા બધા મતભેદ શા માટે પડે ? સર્વ એક જ પ્રકારના મતો સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અન્યોન્યના વિરોધાભાસ વિચારથી થોડી વાર અટકવું પડે છે.
તો પણ તે સંબંધી યથામતિ હું કંઇ ખુલાસો કરું છું. એ ખુલાસો સત્ય અને મધ્યસ્થભાવનાનો છે. એકાંતિક કે મતાંતિક નથી; પક્ષપાતી કે અવિવેકી નથી; પણ ઉત્તમ અને વિચારવા જેવો છે. દેખાવે એ સામાન્ય લાગશે; પરંતુ સૂક્ષ્મ વિચારથી બહુ ભેદવાળો લાગશે.
આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયનય વડે તો તે અસત્યરૂપ ઠરે; પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જેઓ પરલોક સંબંધી કે પાપ સંબંધી કંઇ પણ બોધ કે ભય બતાવે છે તે જાતના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે તેની