________________
પુરુષાર્થ (ચાલુ)
૩૬
સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને ૫૨મભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે. (પૃ. ૫૦૭)
D આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. (પૃ. ૭૧૩)
આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય ? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે ! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઇ બહારની વાત નથી. અજ્ઞાન છે તે મટે તો જ્ઞાન થાય.
બે ઘડી પુરુષાર્થ કરે, તો કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે, તોપણ બે ઘડીમાં તૈયાર થાય નહીં; તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.
જે વાતો જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાતો સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રખડયો છે. ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધા બહાનાં છે.
જીવને સંસારી આલંબનો, વિટંબણાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઇને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઇ બની શકતું નથી. આવાં આલંબનો લઇ પુરુષાર્થ કરતો નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવો.
સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે. જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું કારણ અંતરથી આત્માર્થે કરવાની ઇચ્છા નથી. જે આત્માર્થી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાર્ક ક્યારે ? તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે.
પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચે કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબનો લઇ માર્ગ આડાં વિઘ્નો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં કરી શકાય. (પૃ. ૭૨૪)
તમારે (જીવોએ) કોઇ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાંખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો ? વાદવિવાદ કે મતભેદ શાનો ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. (પૃ. ૭૭૨)
અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઇ એમ કહેવામાં આવે છે; પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઇ કહે છે, યદ્યપિ જો તેનો સાચો, જેવો જોઇએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. (પૃ. ૭૬૬)