Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ભાવના, અનિત્ય (ચાલુ)
४०८ જે આ પ્યારાં માનેલાં સ્ત્રીપુત્રાદિક નજરે દેખાય છે તેનો સંયોગ નહીં રહેશે. સ્વપ્નના સંયોગ સમાન જાણી, એના અર્થે અનીતિ પાપ છોડી, ઉતાવળે સંયમાદિક ધારણ કર. તે ઇન્દ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. તે ધનસંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તો બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે? યૌવન, વૃદ્ધાવસ્થાથી નાશ થશે. જીવવું મરણ સહિત છે. સ્વજન પરજન વિયોગની સન્મુખ છે. શામાં સ્થિરબુદ્ધિ કરો છો ? આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રાદિકથી ભૂષિત કરો છો, નાના પ્રકારનાં ભોજન કરાવો છો, વારંવાર એના જ દાસપણામાં કાળ વ્યતીત કરો છો; શયા, આસન, કામભોગ, નિદ્રા, શીતલ, ઉષ્ણ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરો છો. એના રાગથી એવા અંધ થઈ ગયા છો કે ભક્ષ, અભક્ષ, યોગ્ય, અયોગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઇ, આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિષે વાસ કરવો, એ સમસ્ત નથી ગણતા. આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલદી વિનાશ થશે. આ દેહનો ઉપકાર કૃતધ્વના ઉપકારની પેઠે વિપરીત ફળશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહા દુઃખ, રોગ, ક્લેશ, દુર્ગાન, અસંયમ, કમરણ અને નરકનાં કારણરૂપ શરીર ઉપરનો મોહ છે એમ નિશ્રયપૂર્વક જાણો. આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશો, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખોરાક નહીં આપશો તો બહુ દુ:ખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઇ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને તપસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. આ ઇન્દ્રિયો છે, તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇન્દ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇન્દ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તો બીજાનું તે શું કહેવું? એ ઇન્દ્રિયોને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇન્દ્રિયોનો રાગ છોડી, એને વશ કરો. સંસારમાં જેટલાં નિંદ્ય કર્મ કરીએ છીએ તે તે સમસ્ત ઇન્દ્રિયોને આધીન થઈ કરીએ છીએ. માટે
ઇન્દ્રિયરૂપ સર્પના વિષથી આત્માની રક્ષા કરો. (પૃ. ૧૬-૮). I પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાદિક કોઈ પરલોક સાથે ગયા નથી અને જશે નહીં. પોતાનાં ઉપાર્જન કરેલ
પયપાપાદિક કર્મ સાથે આવશે. આ જાતિ કુળ રૂપાદિક તથા નગરાદિકનો સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય. જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં
પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. (પૃ. ૧૯). | લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી
જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઈન્દ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઈન્દ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઇને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! (પૃ. ૩૬)