Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમાર્થ (ચાલુ)
૩૪૦ | જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તો તે અંતરાયોનું
અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચતા ઠામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહતુ પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રત રાખી સાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે. (પૃ. ૬૧૨). શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્રયમાં દૃઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સપુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા દયને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તો જ તેને સત્વરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઇ પણ જીવોને – ઘણા જીવોને – પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણો પણ ઉપર જણાવ્યાં છે. (પૃ. ૩૪૬). અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો જેને નિશ્રય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. (પૃ. ૩૨૭) T કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈ પણ આ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનઃકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની
જેમ બને તેમ નિવૃત્તિ કરવી. (પૃ. ૩૧૮). દેવ, ગુરુ, તત્ત્વ, અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે – (૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દૃષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. (પૃ. ૭૭૮).