Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૦૫
-
જીવનાં લક્ષણ (ચાલ) |
સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ;
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' શ્રી તીર્થકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા “સમતા નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવે છે. પશુ, પક્ષી મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. કોઇ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઇ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ “ઊર્ધ્વતાધિર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જીવ કહ્યો છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદ્રષ્ટાંતે નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે કયાંય તે લક્ષણ જોયું નથી. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુ:ખી છું, દુ:ખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઇમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ