Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જ્ઞાની (ચાલુ)
જ્ઞાનીપુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુ:ખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્યાદિથી શાતા અને જ્વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષવિષાદનો હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઇક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદયબળે કંઇક તેવા પરિણામ થાય છે, તોપણ વિચારજાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાનીપુરુષનાં પરિણામ વર્તે છે.
૨૩૫
વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તોપણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે. (પૃ. ૪૬૭)
શ્રી આચારાંગસૂત્ર મધ્યે કહ્યું છે કે ‘આસ્રવા તે પરિશ્નવા,’ ને જે ‘પરિસવા તે આસ્રવા.’ આસ્રવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. (પૃ. ૬૯૮)
જ્ઞાની મોહને પેસવા દેતા નથી. તેઓનો જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવા પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું જ હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે. (પૃ ૬૯૯) જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃતદાં કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. (પૃ. ૮૦૪)
D‘જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે.’ એમ શ્રીકૃષ્ણ કહે છે. (પૃ. ૩૩૮)
જ્ઞાનીપુરૂષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઇક જ વેળા ઉદયમાં આવે છે. (પૃ. ૩૮૨)
Ū જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એવો કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભઅશુભ કર્મ પ્રમાણે બન્નેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે; અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે.
જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રીઆદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (ચોથે, પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા જ્ઞાની સભ્યષ્ટિને સ્ત્રીઆદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. (પૃ. ૪૬૭-૮)
સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તોપણ એમ જણાય છે કે સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઇ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઇ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે. (પૃ. ૬૦૬)
જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો. (પૃ. ૬૬૯)