Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૨૩
નિત્યપણું
નિત્યપણું
જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. (પૃ. ૩૨૬)
D આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઇ પણ સંયોગોથી થઇ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઇ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજા૨ોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઇ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઇ શકે નહીં, એવો સૌને અનુભવ થઇ શકે એમ છે.
આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યે સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુઃખાદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઇ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. (પૃ. ૪૨૫)
દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઇ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઇને જાણતો નથી; પોતાને તે જાણતો નથી તો બીજાને શું જાણે ? વળી દેહ રૂપી છે; સ્થૂળાદિ સ્વભાવવાળો છે અને ચક્ષુનો વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ પોતાને તે જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે', એમ શી રીતે જાણે ? અને ‘મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે' એમ જડ એવો દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે; દેહ જાણનાર થઇ શકતો નથી તો પછી ચેતનનાં ઉત્પત્તિલયનો અનુભવ કેને વશ કહેવો ?
દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે.
જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તો તે વાત તો બોલતાં જ વિઘ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડયો, એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવામાત્ર થયું; જેમ ‘મારા મોઢામાં જીભ નથી' એવું વચન કોઇ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુઓ.
દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદો ન હોય તો કોઇ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન કર્યો, પણ તેનો જાણનાર ઠર્યો. માટે તે ભેની એકતા કેમ થાય ?
જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દૃશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઇ પણ સંયોગોથી