Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૨૧
નિત્યનિયમ
અનંતા અનંત છે તે સઘળા નિગોદ આશ્રયી થોડા અવકાશમાં રહેલા છે, તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે; પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે, તે સામર્થ્યધર્મે કરી થોડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરીસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મુકવામાં આવે, તોપણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેની નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં મોટાં એવાં ઘણાં ઘરો તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તો, આંખથી કરી પોતાના કદ જેવડી જ વસ્તુ જોઇ શકાય, પણ વધારે મોટો ભાગ જોઈ ન શકાય; અથવા અરીસામાં ઘણાં ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઇને થોડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. (પૃ. ૭૪૬) D પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના
સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. (પૃ. ૭૬૩) નિત્યનિયમ
પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્વલ કરવું. માતાપિતાનો વિનય કરી, આત્મહિતનો લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પોતે ભોજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતાં યથોચિત પ્રવૃત્તિ કરવી. આહાર, વિહારનો નિયમિત વખત રાખવો તેમજ સશાસ્ત્રના અભ્યાસનો અને તાત્ત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચોવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. સૂતા પહેલાં પાપસ્થાનક, દ્વાદશવ્રતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું. આ સામાન્ય નિયમો બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે. (પૃ. ૯૮)