Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૨૫
નિદાનબુદ્ધિ (નિયાણું) પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા પ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાય ભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં. અર્થાત અવસ્થાઓ બદલાઇ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે. અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય નહીં; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત ઘટાદિ પદાર્થ ફાટી જાય છે. એટલે લોકો એમ કહે છે. કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહી, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું (શિષ્ય) ચેતનનો નાશ કહે, તો પણ કેવળ નાશ તો કહી જ શકાય નહી; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઇ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત એ પ્રકારે તું અનુભવ કરી જોઇશ તો કોઇમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. (પૃ. ૫૪૧-૪) | આત્મા નિત્ય છે. પ્રમાણો :(૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. (૨) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. (પૃ. ૭૬૮) D ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ
પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે – નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી
મૂળ દ્રવ્ય છે. (પૃ. ૮૦૯). [નિદાનબુદ્ધિ (નિયાણું) | D નિયાણું એટલે નિદાન. (પૃ. ૭૭૭)