Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૦૧
દર્શન, વેદાંત (ચાલુ)
જજો. (પૃ. ૧૩૧)
વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુજીવે કરવું ઘટે છે; કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે; અને તે પ્રકાર જોઇ મુમુક્ષુજીવ અંદેશો-શંકા પામે છે; અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે, એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે.
જો જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે વિસ્તારેલ છે; માટે નિઃસંશયપણે યોગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સગ્રંથો વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૯૯-૪૦૦)
વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તોપણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથક્કરણ થવા તે આગમ વાંચવા, વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૫૬) વેદાંત અને જિન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મસ્વરૂપે સર્વ સ્થિતિ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કહ્યો છે. 'સમયસાર' વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની
માન્યતારૂપ સિદ્ધાંત થઇ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઇ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે.
‘એક બ્રહ્મસ્વરૂપ’ વિચારવામાં અડચણ નથી, અથવા ‘અનેક આત્મા' વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઇ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્ત્તવ્ય છે; અને તે જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય, ઉપશમ વર્ધમાન પરિણામી થયે, ‘એક આત્મા છે કે અનેક આત્મા છે', એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૧૪)
D શ્રી જિન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી. (પૃ. ૪૫૦)
વેદાંત છે તે શુદ્ધનયઆભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા ‘નિશ્ચયનય' સિવાય બીજા નયને એટલે ‘વ્યવહારનય’ને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. (પૃ. ૭૪૫)
D જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. (પૃ. ૮૧૨)
વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. (પૃ. ૬૯૧)
જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિઓ ઊપજે છે. જૈન ને વેદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તો બન્ને જણા કબૂલ કરે છે; માટે સંભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે. (પૃ. ૬૯૭)
D સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે આત્મા અનંત છે.