Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
દયા
દયા
— દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકા૨ક ધર્મમતો પડયા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહુ તો મનુષ્યદેહની રક્ષા કરો, એમ કહે છે; તેમ એ ધર્મમતવાળા ઝનૂની અને મદાંધ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઇ પડશે ? તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે.
૨૬૪
વેદ અને વૈષ્ણવાદિ પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઇ વિચાર જોવામાં આવતો નથી, તોપણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. બાદર જીવોની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પપાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઇચ્છા નથી. અનંતકાય અભક્ષ્યથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળો પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્ત્વબોધના યોગબળથી વધ્યો છે.
મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહોળો કુટુંબપરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમ જ અધિકાર પામે છે, અને તે પામવાં કંઇ દુર્લભ નથી; પરંતુ ખરું ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહા દુર્લભ છે. એ રિદ્ધિ ઇત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઇ અનંત દુઃખમાં લઇ જાય છે; પરંતુ આ થોડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે.
આપણે ધર્મતત્ત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે કહું છું; એમ જ તત્ત્વબોધને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી !
મગધ દેશની રાજગૃહી નગરીનો અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠો હતો. પ્રસંગોપાત્ત વાતચીતના પ્રસંગમાં માંસલુબ્ધ સામંતો હતા તે બોલ્યા કે, હમણાં માંસની વિશેષ સસ્તાઇ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતોને બોધ દેવાનો તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઇ, રાજા અંતઃપુરમાં ગયા, ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, તેને તેને ઘેર અભયકુમાર ગયા.
જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે, આપ શા માટે પરિશ્રમ લઇ અમારે ઘેર પધાર્યા ! અભયકુમારે કહ્યું : મહારાજા શ્રેણિકને અકસ્માત્ મહા રોગ ઉત્પન્ન થયો છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે, કોમળ મનુષ્યના કાળજાનું સવા ટાંકભાર માંસ હોય તો આ રોગ મટે. તમે રાજાના પ્રિયમાન્ય છો માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામંતે વિચાર્યું કે કાળજાનું માંસ હું