Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૫૯
ત્યાગ (ચાલુ) || [ સર્વ-સંગઉપાધિ ત્યાગવી. (પૃ. ૧૩૬) * ] સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે અને સત્સંગનો યોગ મટયો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે.
માટે બાહ્યઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્યત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી; અજ્ઞાનીને દુઃખ છે. (પૃ. ૭૦૬) આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે; જે પ્રતિબંધને લીધે હાલ તો કઈ ઈચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. (પૃ. ૩૨૫) મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યકત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ
અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. (પૃ. ૪૯૦). 0 તીર્થકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ધણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. ત્યાગના બે પ્રકાર છે: એક બાહ્ય અને બીજો અત્યંતર, તેમાંનો બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. જીવ એમ માને છે કે હું કાંઈક સમજું છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ મોળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઇ જાય છે ? આંખ, જીભાદિ ઇન્દ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે ? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઇન્દ્રિયોના વિષયને દેશ દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે. હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી, તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રહિત કરવો. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે