________________
ચિંતા (ચાલુ)
૧૮૪
નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૩૧)
— જે ચિંતાના ઉપદ્રવે તમે (શ્રી સૌભાગ્યભાઇ) મુઝાઓ છો, તે ચિંતાઉપદ્રવ કોઇ શત્રુ નથી. કોઇ જ્ઞાનવાત્ત જરૂ૨ લખજો. (પૃ. ૩૭૧)
પરમાર્થચિંતા હોય એ વિષય જુદો છે; વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. (પૃ. ૨૫૮)
વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઇ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે (શ્રી સૌભાગ્યભાઇએ) લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે. એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઇ લઇશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ. (પૃ. ૨૮૭) સંસારસંબંધી તમને (શ્રી સૌભાગ્યભાઇને) જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષયે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમ જ ૫૨માર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકા૨ને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઇ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે.
સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઇ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે.
તમારી ચિંતા જાણીએ છીએ, અને અમે તે ચિંતાનો કોઇ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. પણ એમ તો કોઇ કાળે બન્યું નથી, તે કેમ બને ? (પૃ. ૩૧૪)
સંસારની ઝાળ જોઇ ચિંતા ભજશો નહીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. (પૃ. ૩૮૦)
ચેતન
D ચેતનની ઉત્પત્તિના કંઇ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઇ અનુભવ થતો નથી માટે અવિનાશી છે - નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે. (પૃ. ૮૦૯)
D અનાદિકાળનું એવું જે ચેતન તેનો સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દૃઢ કરે તો ન્યૂનતા મટે. જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. (પૃ. ૭૧૨)
ચેતનને ચેતનપરિણામ હોય અને અચેતનને અચેતનપરિણામ હોય, એવો જિને અનુભવ કર્યો છે. (પૃ. ૪૪૪)
અહો ચેતન ! અહો તેનું સામર્થ્ય ! (પૃ. ૮૨૧)