________________
છું અને તમે મને જાણો છો? પિતાજી જેને તમે જાણો છો તે હું નથી અને જે હું છું તેને હું જ જાણતો નથી; તમે કેવી રીતે જાણો છો? પણ આપનો દાવો પેલા પુલ જેવો છે. જેટલા યાત્રી તેના ઉપરથી પસાર થયા તેને તે પુલ કહે છે હું જાણું છું. હું આપના દ્વારા જગતમાં આવ્યો, આપની ઉપરથી પસાર થઇ ગયો, આપના પ્રયોગમાં હું ઉપયોગમાં આવ્યો, તેથી નથી તમારો, કે નથી તમે મારા; જેથી તમને મારો પરિચય હોય! જેમ આપના દ્વારા આ સમયે અહીં આવ્યો તેમ આપના પહેલાં પણ હું હતો. અનેક પિતા અને માતા દ્વારા હું પૂર્વે પસાર થઈ ચૂક્યો છું - મારી આ યાત્રા અનંત સમયથી ચાલે છે.”
છતાં પિતા પુત્રને સંત તરીકે સ્વીકારી શકે તેમ નથી; પુત્રમાં એક સંતનાં દર્શન પિતાને ન જ થાય - શ્રદ્ધા - ન જ જન્મે તેનાં બે કારણ છે. એક: પિતાનો અહંકાર ઘવાય છે કે પુત્રમાં આટલો મોટો ત્યાગ? આવું અલૌકિક જ્ઞાન? અશક્ય! અને બીજું કારણ: અતિપરિચયથી પણ શ્રદ્ધાનાં પાયા ડગમગે છે, જેને મેં રમાડયો-ધમકાવ્યો-મારી સામે મોટો થયો તે જ આ સિદ્ધાર્થ? શંકા જાગે છે, સંશય શ્રદ્ધાને ટકવા દે તેમ નથી.
અતિપરિચયથી જ પયગંબર ઈશને પણ તેમના જ ગામના લોકોએ તિરસ્કૃત કર્યા, અવગણ્યા, કારણ કે તેમની નજરમાં શ્રદ્ધાનું બીજ નહોતું તેથી માત્ર શંકાનું વટવૃક્ષ જ નજરે ચડયું. જ્યારે ઈશુ પોતાના જ ગામમાં પ્રવેશ્યા ત્યારે ન તો કોઈનું ધ્યાન દોરાયું, ન કોઈએ પ્રશ્ન કર્યો. દર્શનની વાત તો બાજુએ રહી, ન સામાન્ય અતિથિ જેવો સત્કાર થયો. કારણ સૌને તેમનો પરિચય હતો અને તે પણ પૂર્વપરિચય જે શ્રદ્ધામાં વિઘ્ન તરીકે ઘણી વાર કામ કરે છે. સૌને થયું : અરે, આ તો પેલા જોસેફ સુથારનો છોકરો - જે રોજ લાકડાં લઈ જતો અને ગામમાં સુથારનું કામ કરતો હતો તે જ આજે આવ્યો છે! જે અહીંના આંગણાની ધૂળ-માટીમાં છોકરાં સાથે તોફાન-મસ્તી કરતો તો તે જ આજે પરમાત્માનો પયગંબર થઈને આવ્યો છે! જરૂર કંઈ છેતરપિંડી હશે. આમ જિસસના ગામમાં તેને માટે ચોમેર શંકાનાં વાદળો ધસી આવેલ - જ્યારે તેમની ત્યાં પ્રથમ મુલાકાત હતી; પછી શ્રદ્ધાની તો વાત બાજુએ રહી.