________________
(૪૭૮)
થાય છે ત્યારે સાધન નિરર્થક થઈ જાય છે, ત્યાં જ સાધના સમાપ્ત થાય છે. કોઈ નૌકા વડે નદી પાર કરવી તે જ ઉદ્દેશ્ય હોય તો નદી પાર કર્યા પછી નૌકાને માથે મૂકીને કોઈ આગળની યાત્રા કરતું નથી. તેનો અર્થ એવો નથી જ કે નદી ઓળંગતા પૂર્વે જ નૌકાનો ત્યાગ કરવો.
અહીં જે સમાધાન છે તેનું તાત્પર્ય એ જ છે કે પંદર અંગો સહિત જે નિદિધ્યાસનનું વર્ણન કર્યું છે તે તો સાધન છે. તેના સહારે જ સાધ્ય સુધી પહોંચી જવાનું છે. પણ જ્યારે સાધ્ય સિદ્ધ થઈ જાય ત્યારે સાધન ત્યાગી શકાય છે, એવું સાધક માટે કહી શકાય. સિદ્ધની દષ્ટિમાં તો સાધન વિના પ્રયત્ન જ છૂટી જાય છે. જેવી રીતે ‘પૉલવોલ્ટ જમ્પ' વાંસકૂદકામાં અમુક ઊંચાઈ ઉપર આવતાં વાંસ આપોઆપ છૂટી જાય છે અને ખેલાડી ઊંચાઈ ઓળંગી પેલે પાર કૂદી જાય છે. અમુક ઊંચાઈ પર જવા વાંસ આવશ્યક જરૂર છે પણ ઊંચાઈ ઓળંગતાં તેને સાથે લઈ જઈ શકાય તેમ નથી. તેથી સ્પષ્ટ છે કે અમુક હદ કે ઊંચાઈ સુધી જ તે આવશ્યક છે. તેમ અધ્યાત્મિક ઊંચાઈ પર જવા જે ઊંચાઈ પર સાધક સિદ્ધ થઈ જાય, ત્યાં સુધી સાધન અનિવાર્ય છે; પછી તે અનાયાસે છૂટી જવાં જોઈએ.
કારણ કે અંતે તો એક અને અદ્વૈતની જ અપરોક્ષ અનુભૂતિ છે. ત્યાં સાધ્ય કોણ અને સાધક કોણ? જ્યાં નથી સાધ્ય ત્યાં સાધન કેવાં ? ત્યાં તો સાધક, સાધના, સાધ્ય અને સાધન સર્વ કાંઈ એકમાં એકાકાર થઈ જાય છે.
આમ છતાં સદા સાવચેતી રાખવી કે સિદ્ધ કે યોગીરાટ્ થયા પૂર્વે જ સાધન ત્યાગવાની મૂર્ખામી ન કરી બેસીએ! તેથી સાધનમાં અપૂર્વ શ્રદ્ધા રાખવી; શ્રદ્ધાના દીપકને સદા પ્રજ્વલિત રાખવા સતત જાગૃતિ જરૂરી છે. જેથી ‘સ્વ’ સ્વરૂપની અનુભૂતિ પૂર્વે સાધનની શ્રદ્ધાનો ત્યાગ ન થાય. અપરોક્ષ અનુભૂતિ પછી તો શ્રદ્ધાની આવશ્યકતા જ જણાતી નથી. પછી તો શ્રદ્ધેય અને શ્રદ્ધા જેવા ભેદ જ રહેતા નથી. તેથી આપણે યાદ રાખીએ કે કદી જ્ઞાન પૂર્વે સાધન ત્યાગ ન થાય.