________________
(૫૧૦)
તેમ ગુરુ પણ શિષ્યની ત્રુટિઓથી તેને મુક્ત કરવા કટાક્ષરૂપી ગુરુ શબ્દબાણ, મીઠો ક્રોધ અને તીખી ટીકાનો પ્રયોગ કરે છે. પણ જયારે કુંભારરૂપી ગુરુ ઘડાને બહારથી ટપાકા મારે છે ત્યારે ઘડાની અંદરની બાજુ અર્થાત્ શિષ્યના હૃદયમાં બીજા હાથથી સહારો આપે છે. અર્થાત્ પ્રથમ અંદરથી આધાર આપે છે, પછી બહારથી ટીપે છે. ઘડાને તોડવા તે ટીપતો નથી પણ સૌંદર્ય પ્રદાન કરવા તે ટીપે છે. સૌંદર્ય પ્રાપ્ત કર્યા પૂર્વેની પ્રક્રિયા તે જ ‘“ટિપાવું'' છે, તેવું ગુરુ સમજે છે. ગુરુની દૃષ્ટિમાં જે અનિવાર્ય છે તે જ શિષ્યની દૃષ્ટિમાં ટીકાપ્રહાર છે, જરૂરિયાત વિનાની શિક્ષા છે. કારણ કે શિષ્યને તો ટીપનારો બહારનો હાથ જ દૃશ્ય છે, અંદરનો આધાર દશ્ય થતો નથી. આવા કલ્યાણકારી ઉપકારી ગુરુને અનંત વંદન કરીએ કે મસ્તક ઉતારી આપીએ તો પણ ઓછું છે. કારણકે “હિર રૂઠે ગુરુ ઠૌર હૈ ગુરુ રૂઠે નહીં ઠૌર.''
ભગવાન રૂઠે તો ગુરુ આશ્રય છે; પણ જ્યારે ગુરુ રૂઠે તો, કોપે તો બચવાનો કોઈ ઉપાય નથી.
આ ગુરુની શું વંદના! શું સ્તુતિ !
“સબ ધરતી કાગદ કરૂં લેખન કરું વનરાય; સાત સમુંદર કી મિસ (સહી) કરું,
ગુરુ ગુન લિખા ન જાય.''
-સંત કબીર
તેથી કોટી ઉપાયે પણ સદ્ગુરુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ,. જો માથું આપતાં પણ ગુરુ મળે તો સસ્તો મળ્યો છે તેમ માનજો.
“સીસ દિયે જો ગુરુ મિલૈ તો ભી સસ્તા જાન''
આમ જો જીવનમાં કંઈ જ ન મળે અને માત્ર ગુરુ મળે તો પણ જીવન ધન્ય છે.
ગુરુ મળે તો જ દૃષ્ટિ મળે.
કેવી દૃષ્ટિ ?
જ્યાં સરી પડે સૃષ્ટિ !
તે છે અખંડ દૃષ્ટિ, અભેદ દૃષ્ટિ, અદ્વૈત દૃષ્ટિ!
સૂક્ષ્મ દૃષ્ટિ, અભય દૃષ્ટિ.
જ્યાં મને સમજાય કે
હું સર્વ કાળમાં - છતાં કાળાતીત છું સર્વ દેશમાં - છતાં દેશાતીત છું સર્વ વસ્તુમાં - છતાં વસ્તુથી અતીત છું સર્વ સાકારમાં - છતાં નિરાકાર છું