________________
(૫૦૮)
અનુગ્રહ વિના ‘સ્વ’સ્વરૂપના પડછાયાનો પરિચય પણ મુશ્કેલ છે. તો પછી સ્વરૂપના સાક્ષાત્કાર માટે તો ગુરુકુપા જોઈએ, માર્ગદર્શન જોઈએ, તેમની મીઠી રહેમ અને કરુણાભર્યા કટાક્ષ પણ જોઈએ. સામાન્ય પર્વતોના પરિભ્રમણમાં જો ભોમિયાની જરૂર જણાય, જાતે પ્રયત્ન કરવા જતાં ભટકી જવાય; ખૂબ સમય લાગે, દુષ્કર યાત્રા જણાય, તો પછી આ તો અનંતની યાત્રા છે. તેને માટે ગુરુની આવશ્યકતા કેમ ન હોય ? હા, એ સાચું છે કે જેનો અહંકાર અત્યંત કઠોર હોય, અહંકાર મજબૂત હોય, તેવાને ગુરુના સ્વીકારમાં તે જ અહંકાર વિઘ્ન બને છે, બાકી જેની પાસે ભક્તનું હૃદય હોય અર્થાત્ શરણાગતિ હોય; જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના અને ગ્રહણશીલતા હોય, મન મુક્ત અને પૂર્વગ્રહરહિત હોય, ગુરુ સાથે આત્મીયતા હોય, ગુરુસેવા માટેની ઉત્કંઠા હોય, અહંકારને ઝુકાવી પ્રશ્ન પૂછવાની નમ્રતા હોય તેને કદી જ્ઞાનીજનો જ્ઞાન ન આપે તેવું બન્યું નથી. અને તેવા ભક્તને-શિષ્યને જ્ઞાન ન મળ્યું હોય તેવું પણ બન્યું નથી. માટે ભગવદ્ગીતામાં કહ્યું છે:
" तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ॥ " તે જ્ઞાનીને દંડવત પ્રણામ કરી; સેવા વડે; તથા પ્રશ્ન પૂછીને જાણ, તત્ત્વને જાણનાર જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ કરશે.
અને તેવો જ સંદેશ મુંડક શ્રુતિમાં છે.
तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्
समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥
“તે પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હાથમાં સમિધ લઈ શ્રોત્રિય =અર્થાત્ વેદ-વેદાન્તને સારી રીતે જાણનાર અને ‘બ્રહ્મનિષ્ઠમ્ અર્થાત્ પરબ્રહ્મમાં સ્થિત થયેલા ગુરુની પાસે વિનયપૂર્વક જવું.”
ગુરુની સમક્ષ ઉપસ્થિત તો ઘણા થાય છે, થયા છે અને થતા રહેશે. પણ જે ગુરુ અને ઈશ્વરમાં ભેષ્ટિ હશે, તો તમે ગુરુના શરીરની સાથમાં હશો પણ ગુરુ તમારાથી જોજન દૂર હશે. કૃપા કરી યાદ રાખજો...ગુરુની મહાનતાને સ્પર્શ કરવા પોતાની પામરતાની કબૂલાત કરજો. આપણે કદી ન ભૂલીએ કે ઈશ્વરનો અનુગ્રહ કંઈ ઈશ્વર દ્વારા કે ઈષ્ટદેવદ્વારા વ્યક્ત થતો નથી, પણ તે ગુરુ દ્વારા જ અભિવ્યક્ત થાય છે. ઈષ્ટદેવ જો અનુગ્રહ કરવા ધારે તો પ્રથમ વિવેક-વૈરાગ્યનું દાન દે છે. પછી જ્ઞાનપ્રાપ્તિના સંજોગ પેદા કરે છે, શિષ્યત્વની ભાવના જન્માવે છે, અને પછી અનાયાસે કોઈ ને કોઈ રૂપમાં ગુરુનો ભેટો કરાવે છે. અને ગુરુ દ્વારા જ જ્ઞાન આપી અનુગ્રહ કરે છે. તેથી સદાય સ્મરણ રહે કે ઈશ્વરનો અનુગ્રહ, દેવની