________________
(૪૮૫)
છે. નિર્વિકલ્પ સમાધિના પ્રવેશ માટે બેદરકાર રહે છે. તેને પણ રસાસ્વાદરૂપી વિઘ્ન કહેવામાં આવે છે.
એવું સાંભળવામાં આવ્યું છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસ પણ કાળીના ઉપાસક હતા અને મા કાળી સાથે વાર્તાલાપ કરતા કરતા આનંદવિભોર બનતા, બેહોશ થઈ જતા અને મા કાળીની સાથેનું તાદાત્મ્ય તોડવા અને નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશવા શરૂઆતમાં તૈયાર થયા નહોતા પણ અંતે શ્રી તોતાપુરીની પ્રેરણાથી નિર્વિકલ્પ સમાધિ માટે પ્રયત્નશીલ થયા અને નિર્વિકલ્પ સમાધિમાં સમાધિસ્થ થયા.
(૮) શૂન્યતા - નિદિધ્યાસનમાં અંત:કરણની કે શરીરની જડતા આવી જાય તે સમાધિ નથીં; વિઘ્ન છે. ઘણા શરીરની બેહોશીને સમાધિ સમજે છે, જ્યારે કેટલાક ધ્યાન, ભજન અને કીર્તનની ભાવાવેશમય સ્થિતિને લીધે પરિણમતી શરીરની શૂન્યતાને સમાધિ સમજે છે.
જો શૂન્યતા જ સમાધિ હોય તો પછી સુષુપ્તિમાં તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અવયવો અને શરીર સૌનું મૌન જ છે. અને એ મૌનરૂપી શૂન્યતા જ સમાધિ થઈ જાય તો તો રોજ-બ-રોજની સુષુપ્તિમાં વારંવાર સમાધિસ્થ થઈ જવાય.
યાદ રહે કે શૂન્યતા કે સુષુપ્તિ સમાધિ નથી. સમાધિ છે સતત જાગૃતિ. નિત્ય જાગૃતિ. તેમાં દશ્યપ્રપંચનો લય છે. તમામ વૃત્તિઓની વિસ્મૃતિ છે. શરીરની જડતા, શૂન્યતા, બેહોશી કે સુષુપ્તિમાંથી વ્યક્તિ જ્યારે જાગે છે ત્યારે પુન: તેને સંસાર જણાય છે. તેના પ્રશ્નો, શંકાઓ, હતાશા, નિષ્ફળતા, આકાંક્ષા, અપેક્ષા જેમનાં તેમ જ રહે છે. અને જાગ્યા બાદ પોતે હતો તેવો જ બંધનમાં પોતાને અનુભવે છે. તેને સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. જ્યારે સમાધિ પછી નથી રહેતો સંસાર કે તેની વૃત્તિઓ અને ‘સ્વ’ સ્વરૂપનું સ્પષ્ટ ભાન હોય છે કે હું સચિત્ આનંદ સ્વરૂપ છું. સમાધિનો આનંદ એ ‘સ્વ’ સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિનો સ્વરૂપાનંદ છે, આત્માનંદ છે, નિજાનંદ છે, સહજાનંદ છે, બ્રહ્માનંદ છે. જ્યારે સુષુપ્તિમાં જે હર્ષ અનુભવાય છે, સુખ ભાસે છે તે દ્વૈત-પ્રપંચની થોડા સમયની નાબૂદીનો અલ્પાનંદ છે. સુષુપ્તિમાં જીવનની વિટંબણા, પ્રશ્નો, ચિંતા કે સંઘર્ષ નથી