________________
(૨૫૫)
સરોવરને કિનારે કોઈ ઝવેરીની જાહેરાતનું પાટિયું હોય, જેમાં કોઈ સ્ત્રીની છબી હીરાના ગીના સાથે ઊભેલી હોય અને તે જાહેરાતનું બોર્ડ પ્રતિબિંબરૂપે પાણીમાં દેખાય તે જોઈ પ્રતિબિંબને સાચી સ્ત્રી અને સાચા દાગીના માની જો પાણીમાં કૂદે તો શું હાથ આવે? બીજા તો ઠીક પણ પોતાની મૂર્ખતા પર પોતાને પણ હસવું આવે. તેવું જ જે વ્યક્તિ વૃક્ષના પડછાયાને વૃક્ષ સમજે તેના માટે અને આત્માને દેહ સમજે તેના માટે કહી શકાય. પડછાયો તો જ્ડ છે; અસત્ છે; અનિર્વચનીય છે; વૃદ્ધિ અને વિકાસ વિનાનો છે. જ્યારે વૃક્ષમાં વૃદ્ધિ છે, વિકાસ છે. પાણીમાં હલનચલન થવાથી પડછાયો હાલશે; જ્યારે વૃક્ષ તો સ્થિર જ ઊભું રહેશે. તેથી પડછાયાના હલનચલનનો આરોપ વૃક્ષ પર કરવો તે ભ્રાંતિ છે, કલ્પના છે. તેવી જ રીતે શરીર જન્મેલું છે, નામ અને આકારયુક્ત છે. તેનો અજન્મા, અનામી, નિરાકાર આત્મા પર આરોપ કરવો તે તો શરીરના ધર્મો આત્મા પર અધ્યસ્ત કરવા જેવું છે. અને અનાત્માનો આત્મા પર આરોપ એ જ સ્વરૂપાધ્યાસ કહેવાય.
આવો સ્વરૂપનો અધ્યાસ થાય છે ત્યારે જ શરીરના ધર્મો જેવા કે હું મનુષ્ય છું, બ્રાહ્મણ છું, પાતળો છું, જાડો છું, ગોરો છું, કાળો છું, કદરૂપો છું, રૂપાળો છું, બાળક છું, કમજોર છું, શક્તિશાળી છું વગેરેનો આરોપ અજ્ઞાન દ્વારા આત્મા પર થાય છે. અને તેથી આત્માના ધર્મની પ્રતીતિ થતી નથી; અને આત્મા શરીરના ધર્મોથી યુક્ત જણાય છે. તેથી વ્યક્તિ દુ:ખી બને છે. અલ્પતાનો, અલ્પશક્તિનો અને અપૂર્ણતાનો અનુભવ કરે છે. આવા અધ્યાસને દેહ ઉપહિત ચેતન વિશેનો અધ્યાસ કહેવાય
છે.
જેમ પડછાયા ઉપર કોઈ પગ મૂકે અથવા ફૂટપાથ પર ચાલનારના સડક પર પડતા પડછાયા ઉપર વાહન દોડે છતાં નથી પડછાયાને ઈજા થતી, નથી જેનો પડછાયો પડે છે તે શરીરને ઈજા થતી, જેમ પડછાયાને બાંધવાથી, પલાળવાથી, આગ ચાંપવાથી કે પ્રતિબિંબને પથરા મારવાથી બિંબને કંઈ થતું નથી તેમ શરીર પણ પડછાયા જેમ કે પ્રતિબિંબ જેમ જડ છે, તેનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. છતાં જે આત્માને શરીર માને છે તે સદા ભયને પ્રાપ્ત થાય છે. સમય અને દેશની કારાવાસમાં જાતે જ કેદ થાય છે.