________________
(૩૮૨) મૌનનો તત્વાર્થ
વાસનાનો ક્ષય એ જ સાચું મૌન છે. વાણીનું નહીં, મનનું મૌન જ સ્વરૂપની દિશામાં પ્રગતિ છે.
જ્યાં મનની માગોનું સ્મશાન છે તે જ મૌન છે. જ્યાં ઇન્દ્રિયદોડનો અંત છે, તે જ મૌન છે.
શારાવાસના જ્યાં વિરામ પામે તે તાત્વિક મૌન છે. માટે બૃહદારણ્યક શ્રુતિએ કહ્યું કે
तमेव धीरो. विज्ञाय प्रज्ञां कुर्वित ब्राह्मणः। नानुध्यायाद् बहूञ्छब्दान् वाचो
विग्लापनं हि तदिति॥ બુદ્ધિમાન બ્રાહ્મણે તેને (આત્માને જ) જાણીને તેમાં જ પ્રજ્ઞા કરવી જોઈએ. વધુ શબ્દોનો અભ્યાસ ન કરવો; તે તો માત્ર વાણીનો શ્રમ
આમ તત્વથી મૌન સમજાય તો વાસનાનું કબ્રસ્તાન અને મનની માગોનું સ્મશાન મનમાં રચાઈ જાય. અંતે શાસવાસના પણ છૂટી જાય, કારણ કે શાસ્ત્રોની મદદથી નિત્યાનિત્યનો વિવેક સમજાઈ ગયો, શાસ્ત્રોનો નિચોડ પકડાઈ ગયો કે હું આધિ, વ્યાધિ, અને ઉપાધિથી મુક્ત છું. અભેદ આત્મામાં ભેદની ભ્રાંતિ પણ બચી શકે નહીં તેવા દઢ નિશ્ચય પછી શાસ્ત્રોનો અને પંડિતાઈનો ત્યાગ થઈ જાય છે. અને જ્ઞાનીમાં બાળક જેવી નિર્દોષતા જ શેષ રહી જાય છે. અંતે બાળક જેવો ભાવ પણ ત્યજાય છે અને મૌન જ થઈ જવાય છે.
પણ જ્યારે મૌનમાં એકત્વનું દર્શન થાય છે ત્યારે મૌન કે અમૌન જેવું કંઈ જ રહેતું નથી. પછી તો “સ્વ”સ્વરૂપ જ સાચું મૌન છે તે અનુભૂતિ થઈ જાય છે. અને જીવનની સાચી ખુમારીનું એક જ ગીત રસના ગાયા કરે છે કે
“આત્મા સદા હૈ મુક્ત તુ, ફિર ક્યા કરે છે ધ્યાન જબ દૂસરા હૈ હી નહીં તો સર્વથા મૌનત્વ છે.”