________________
(૫૧)
આત્મચિંતન દ્વારા જે પ્રત્યાહાર જન્મે છે તેમાંથી માત્ર એક જ સૂર નીકળે છે, માત્ર એક જ સંકેત સાંપડે છે. તે છે અભેદ..અભેદ..અને અભેદ, વિચાર દ્વારા જ ભેદ નષ્ટ થાય છે અને અભેદ પ્રાપ્ત થાય છે. અને તે જ પ્રત્યાહાર છે; અદ્વિતની અભય દષ્ટિમાં.
“તમારે ને હમારે ના કશો સંબંધ છે મૂળ, મળ્યા વચ્ચે પડયા છૂટા નદીના કાષ્ઠસમ પૂરે! રમા કંઈ દિન ભલે ભેગા; બધી એ સ્થળની લીલા; પળ્યા પંથે વિવિધ તોયે; બધા છે બ્રહ્મના ચીલા! બરફ ટુકડો વહ્યો જળમાં; જનારાને જુદો ભાસે, કઠણ મૃદુ ભેદ દષ્ટિમાં, વિચારે ભિન્નતા નાસે!”
-શ્રી રંગઅવધૂત
ધારણા નિદિધ્યાસનના સંદર્ભમાં ચાલતી વિચારણામાં મુખ્યત્વે જુદી જુદી રીતે બ્રહ્મભાવ કરવાનું વર્ણન છે. પ્રત્યાહારમાં દરેક વસ્તુમાં બ્રહ્માભાવની વાત વિચારાઈ ગઈ છે. તેથી બ્રહ્મ ભેદરહિત છે તેવું ચિંતન થયું. પણ બ્રહ્મ, દેશકાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે. તે માટે હજુ દેશ અને કાળમાં પણ બ્રહ્મભાવ કરવામાં આવે તો જ દેશ, કાળ અને વસ્તુનો બાધ થઈ શકે તે હેતુથી અહીં દેશમાં બ્રહ્મભાવ કરી ધારણા સમજાવી છે. અને પછી કાળમાં બ્રહ્મભાવના કરી ધ્યાન સમજવામાં આવશે. યોગદર્શન મુજબ ધારણા:
પાતંજલ યોગદર્શન મુજબ અષ્ટાંગયોગ સૂચવેલો છે. જેમાં (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાધિ એવાં આઠ અંગો છે. જેમાં પ્રથમ પાંચને બહિરંગ સાધન કહે છે. તે મંદ અધિકારી માટે છે, તેમ સૂચવેલું છે.
જ્યારે અંતિમ ત્રણ અંગો ધારણા, ધ્યાન અને સમાધિ એ અંતરંગ સાધન છે. જે સર્વ અધિકારી માટે સાધારણ છે. તેથી તેમનો આરંભ નવા પાદમાં અર્થાત્ ‘વિભૂતિપાદ’માં કરવામાં આવેલો છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેનો એકબીજા સાથે કારણ અને કાર્યનો સંબંધ છે.