________________
(૩૮૭)
કાળ
આપણે સામાન્ય સમજ પ્રમાણે દેશ અને કાળને તદ્દન ભિન્ન કે જુદાં માનીએ છીએ. વાસ્તવમાં તેવું નથી. દેશ અને કાળ બન્ને, બનાવ સાથે જ જન્મે છે તેવું હવે તો આપણે સાપેક્ષવાદના સંદર્ભમાં વિચારી શકીએ તેમ છીએ. એટલું જ નહીં, વિજ્ઞાનમાં દેશ અને કાળ બે નહીં પણ એક તત્વ માનવામાં આવે છે. જેમ સ્વપ્નાવસ્થામાં સ્વપ્નસૃષ્ટિની ઉત્પત્તિનો બનાવ બનતાં નવા દેશ અને કાળ સર્જાય છે અને જાગૃતિમાં આવતાં જ સ્વપ્નમાં દેશ અને કાળ ‘ટાઇમ એન્ડ સ્પેસ” સમાપ્ત થઈ જાય છે તેવું જ જાગૃતિમાં થાય છે. સાપેક્ષવાદ પ્રમાણે દેશ અને કાળનાં સર્વ માપ” જોનારનાં, દ્રષ્ટાના દેશ અને કાળ પ્રમાણે જ ઉત્પન્ન થાય છે. આમ છતાં આપણને સમયના સંદર્ભમાં એવી ટેવ પડી ગઈ છે કે ૨૪ કલાકનો જ દિવસ હોય; ૩૦ દિવસનો મહિનો હોય અને બાર મહિનાનું વર્ષ હોય. છતાં જાગ્રત અવસ્થાની આવી ટેવ અને સમયનો આવો ખ્યાલ સ્વપ્નમાં રહેતો નથી. સ્વપ્નમાં ૨૪ કલાકનો દિવસ રહેતો નથી. ત્યાં તો એક કલાકની નિદ્રામાં સ્વપ્ન થોડી મિનિટો જ ચાલે છે છતાં વર્ષો વીતી જાય છે, હજારો માઈલનું અંતર કપાઈ જાય છે, એક દેશમાંથી બીજા દેશમાં સ્વપ્નદ્રષ્ટા પહોંચી જાય છે; અરે! વ્યક્તિ જન્મીને યુવાન પણ થઈ જાય છે. અર્થાત્ ત્યાં નવો દેશ, અને નવો કાળ જન્મે છે. સ્થિતિ બદલાતાં અર્થાત્ જાગ્રતથી સ્વપ્નમાં જતાં દેશ અને કાળના ખ્યાલ બદલાઈ જાય છે.
આમ, શરીર દષ્ટિએ જોતાં આપણે બાળક, યુવાન, ઘરડા થઈએ છીએ તેથી લાંબો સમય વીતી ગયો તેવું માનીએ છીએ. જીવદષ્ટિએ જોઈએ છીએ ત્યારે જ જન્મ છે તેવું અનુભવીએ છીએ અને તરત જ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની ઉત્પત્તિ થાય છે. જીવભાવમાં જ જન્મ અને મોત છે. જો આત્મભાવે વિચારીએ તો આપણો જન્મ પણ નથી અને મોત પણ નથી. તો પછી ક્યાં રહ્યો કાળ! શરીર કે પદાર્થની દષ્ટિમાં જ કાળ છે. આત્મદષ્ટિએ તો આપણે માત્ર છીએ, સદા વર્તમાન! પણ આપણે આત્મદષ્ટિએ વિચારવાનું શીખ્યા નથી તેથી જ દેશકાળની ભ્રાંતિમાં અટવાઈએ છીએ. આવી ભ્રમણાથી આપણને મુક્ત કરવા ભગવાન શંકરાચાર્યજી કાળની નવી વ્યાખ્યા, અર્વાચીન અભિગમ સાથે જણાવે છે.
कलनात्सर्वभूतानां ब्रह्मादीनां निमेषतः। कालशब्देन निर्दिष्टो ह्यखंडानन्द अद्वयः।। १११॥