________________
(૧૦૨)
ટકે તેમ નથી અને આસનમાં હોઈએ તેટલો જ સમય જો પરમાત્માની પ્રાપ્તિ થાય તો પ્રાપ્ત કરેલ પરમાત્મા જ અનિત્ય થઈ જાય! જે પરમાત્મામાં સદા સ્થિતિ રહે તેવું ઇચ્છીએ તો આસન પણ ખૂબ જ સહજ અને સ્વાભાવિક હોય તેવું જોઈએ. જે ખૂબ જ પરિશ્રમ અને અંગોના બળપૂર્વક મરોડથી આસન સિદ્ધ થશે તો લાંબો સમય તેવું આસન ટકી શકશે નહીં અને ધારો કે શરીરને અવનવા અંગમરોડમાં રાખવાનો અભ્યાસ સિદ્ધ થશે, પણ મન વક્ર થશે તો પણ આસનસિદ્ધિનો અર્થ રહેશે નહીં. જો ‘સ્વ’સ્વરૂપમાં સ્થિત થવા જ આસનની જરૂર હોય તો ‘સ્વરૂપ’તો દરેક્ને સહજ રીતે પ્રાપ્ત જ છે, માત્ર ‘સ્વરૂપ’નું જ્ઞાન નથી; અથવા ‘સ્વરૂપ’ની વિસ્મૃતિ થઈ ગઈ છે. અને તે બળપૂર્વકની ક્રિયા કે અંગમરોડથી પાછી મળી શકે તેમ નથી. જો તેને પ્રાપ્ત કરવા કંઈ પણ કરવું હોય તો તે સહજ સ્વાભાવિક આસન હોવું જોઈએ. કારણ, આત્મસ્વરૂપ સહજ છે.
આસન કરવા પાછળનો હેતુ દરેક સાધક કે મુમુક્ષુને ખૂબ સ્પષ્ટ હોવો જોઈએ. શરીરના સુખ માટે આસન જરૂરી છે કે રોગોની નાબૂદી માટે મહત્ત્વનું છે અથવા આત્મચિંતન માટે તેની ઉપયોગિતા છે? તે જાણ્યા પછી જ તેણે આસનની પ્રક્રિયા શરૂ કરવી રહી.
આસન કેવી રીતે કરવું? ઊભા રહીને, સૂઈ જઈ ને કે ચાલતાં ?
આવા પ્રશ્નોના ઉત્તર યોગશાસ્ત્રમાં મળે છે. અને ત્યાં એવું કહેવાય છે કે યોગોભ્યાસમાં આસન ઊભા રહીને થઈ શકે નહીં, કારણ કે તે કાળે ચિત્ત, શરીરને ધારણ કરવાના કાર્યમાં પ્રયત્નશીલ હોય છે. ચાલતાં ચાલતાં પણ આસનનો અભ્યાસ થઈ શકે નહીં, કારણ કે ચાલતી વખતે નેત્રેન્દ્રિય માર્ગનું કે વચ્ચે આવતા વિઘ્નનું અવલોકન કરવામાં રોકાયેલી હોય છે. અને ચિત્ત, નેત્રને માર્ગદર્શન આપવામાં તેમ જ શરીર ધારણ કરવામાં વ્યસ્ત હોય છે. સૂતાં સૂતાં પણ આસન થઈ શકે નહીં; અને તેવી રીતે જે યોગાભ્યાસ થાય તો નિદ્રા કે ઝોકાં આવવાની શક્યતા રહેલી છે. જેને યોગમાં ‘લય’ નામનો દોષ કહે છે, તેથી સ્પષ્ટ છે કે આસન એવી રીતે કરવું કે જેમાં શરીર સ્થિર રહે અને મન પ્રસન્ન રહે તેમ બેસીને જ યોગાભ્યાસ માટે આસનનો અભ્યાસ કરવો.