________________
(૪૧૨)
દેહસામ્ય
યોગશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે ધ્યાન કે સમાધિ કરતી વખતે શરીરને સ્થિર રાખવું. અર્થાત્ કમર કે કરોડરજ્જુ સ્થિર રહે અને તેના પર ગરદન પણ સ્થિર રહે તેવી રીતે બેસવું. તેવી વાત આસનના સંદર્ભમાં પણ આવી ગઈ છે. જ્યાં સાધનપાદના સૂત્ર ૪૬માં વાત આવી હતી કે શરીર સ્થિર રહેવું જોઈએ ‘“સ્થિરપુલમાસન ” ।। ૬ । અને તેવી જ શરીરની સ્થિરતા વિશે શ્રીમદ્ભગવદ્ગીતામાં, ધ્યાનયોગના સંદર્ભમાં; અધ્યાય છના શ્લોક ૧૩માં પણ કહેવાયું છે કે
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
“શરીર, માથું અને ગરદનને સીધાં અને સ્થિર રાખી દૃઢ થઈ” આમ ગીતામાં પણ થોડી યોગની વાત છે; કારણ કે ગીતા એવો અદ્ભૂત ગ્રંથ છે કે જેમાં સંપૂર્ણ વેદનો સાર છે. ગીતા જેવા દિવ્ય ગ્રંથમાં તો ભારતની પૂર્ણ આધ્યાત્મિક પરંપરાનું દર્શન છે. આમ છતાં યોગશાસ્ત્રમાં શરીરની સ્થિરતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે યોગશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે ઇષ્ટદેવનું ધ્યાન ધરી ચિત્ત એકાગ્ર કરવા માટે, પ્રાણને સુષુમ્યા નાડીમાં મોકલવા માટે, સમાધિ લગાડવા માટે તેમ જ કુંડલિની જાગ્રત કરવા માટે શરીરની સ્થિરતા અતિ આવશ્યક છે.
વેદાન્તમાં દેહસામ્ય કે દેહની સમતા
વેદાન્તમાં સ્પષ્ટ સમજ છે કે શરીર સ્થિર હોય અને મન ચંચળ હોય તો શરીરની સ્થિરતા ઉપયોગી નથી, એટલું જ નહીં પણ જીવનની મૂળભૂત સમસ્યા ‘બંધન'નો ભાવ કે ખ્યાલ દૂર કરવાની છે. બંધનનો અનુભવ મન કરે છે; અને મનને જ બંધનના ભાવથી મુક્ત કરવાની જરૂર છે.
શરીર તો પોતાના ધર્મ પ્રમાણે જન્મશે અને મરશે; તેથી તેના માટે પોતાના શરીરધર્મથી મુક્તિ નથી. આત્મા નિત્યમુક્ત છે તેથી તેને મુક્તિની જરૂર નથી. પણ ‘બંધન’નો ખોટો ભ્રમ મન અનુભવે છે તેથી ‘મન”ને શિષ્ય બનાવી, તેને જ સ્વરૂપનું જ્ઞાન આપવાથી, જીવનની મૂળભૂત સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તેમ છે. તે હેતુથી અહીં દેહસામ્યની વ્યાખ્યા નીચે મુજબ કરવામાં આવી છે. જે યોગશાસ્ત્રથી ભિન્ન છે.
·