________________
(૨૭૮)
પ્રારબ્ધ કર્મરૂપી બાણ છૂટ્યા પછી વચ્ચે રોકાતું નથી. જ્યારે કર્મફળ ભોગવાઈ જાય છે ત્યારે જ તે બાણની ગતિ સમાપ્ત થાય છે... અને બાણ પડે છે. આ પ્રારબ્ધ કર્મ તે જ આયુષ્ય કહેવાય છે. પ્રારબ્ધ કર્મ પૂરાં થાય ત્યારે જ શરીરનો પાત થાય છે. અને પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે જ શરીર જન્મે છે. આમ જન્મથી મૃત્યુ સુધીની શરીરની યાત્રાનો આધાર પ્રારબ્ધ કર્મ ઉપર છે. કોણ કેટલાં કર્મનાં ફળ ભોગવવા આવે છે તે પર જીવનસફરની લંબાઈ આધાર રાખે છે. દા.ત. એક લાખ સંચિત કર્મમાંથી રમણલાલ એક હજાર પરિપકવ કર્મ લઈ તે ભોગવવા માટે એક માબાપને ત્યાં જન્મ લે તો તેનો અર્થ એ જ કે ‘રમણલાલ’ નામના શરીરમાં તે જીવ એક હજારકર્મનાં ફળ ભોગવશે ત્યાં સુધી રહેશે. અને આ એક હજાર કર્મનું નામ હવે સંચિતના બદલે પ્રારબ્ધ કહેવાશે. અર્થાત્ જે સંચિત છે તે જ કર્મ નવી યોનીમાં; નવા જન્મ પ્રારબ્ધ કર્મ કહેવાય છે.
હવે પ્રશ્ન થાય છે કે શરીરની જાતિ; યોની કે ભોગવિલાસ; સુખ-દુ:ખ કોણ નકકી કરે છે?
સમાધાન:
(૧) શરીરની જાતિ સ્ત્રી કે પુરુષ અને યોની પશુ; પક્ષી કે માનવી; તે વ્યક્તિની પૂર્વ અટ્ટમ વાસના મુજબ નકકી થાય છે. અને પૂર્વ વાસનાથી પ્રેરાઈને જ વ્યક્તિ કર્મ કરે છે. અને કર્મનાં ફળ ભોગવવા પુન: જન્મ લે છે. આમ અંતે સ્ત્રી કે પુરુષ નર કે માદા એવી જાતિ અને યોની પ્રારબ્ધ દ્વારા જ નકકી થાય છે.
(૨) આયુષ્ય પણ પ્રારબ્ધનું જ પરિણામ છે.
(૩) અને તે જ પ્રમાણે અર્થ અને કામ અર્થાત્ ભોગ અને વૈભવ સંપત્તિ પણ પ્રારબ્ધ દ્વારા જ ઉપલબ્ધ છે, કારણ કે જેવાં જેનાં કર્મ તેવું જ તેને ફળ મળે છે. તે ન્યાયે જ ‘અર્થ’ અને ‘કામ’ બે પુરુષાર્થ વ્યક્તિને સાંપડે છે. તેમાં પુરુષ-પ્રયત્નનું કામ નથી. ‘અર્થ’ અને ‘કામ’ પ્રારબ્ધાધીન છે. બાકી ગરીબ ખેડૂતો, મજૂરો, તનતોડ મહેનત અને અખંડ પરિશ્રમ કરે છે છતાં તેમને ધન તો નથી મળતું પણ અડધા પગારનો દારૂ પી તેઓ શરીરે અને અર્થે કંગાલ જ થતા જાય છે. જ્યારે કોઈ મિલમાલિકને ત્યાં જન્મે તો જન્મથી જ પૈસાપાત્ર ગણાય અને કેટલાંક તો જન્મ પૂર્વે ગર્ભથી જ શ્રીમંત થઈ જાય છે... તેમને ‘અર્થ’ પ્રાપ્તિમાં પુરુષાર્થ કરવો પડયો નથી પણ પ્રારબ્ધથી જ તેઓ પૈસાપાત્ર થયા છે.