________________
(૩૩૮) આવા દોષનું દર્શન થવાથી જ્ઞાની, યોગી કે ચિંતક પરિગ્રહથી મુકત થઈ અપરિગ્રહી રહેવા માટે સંકલ્પબદ્ધ બને છે.
શ્રી કણાદ મુનિ કણ કણ વીણીને પોતાનું ગુજરાન ચલાવતા તેથી તેમનું નામ કણાદ મુનિ પડયું તેવું સાંભળવામાં આવ્યું છે. કણાદ મુનિનો એવો નિયમ હતો કે તેઓ કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નહોતા. ખેતરોમાંથી અનાજ લઈ જતાં, અનાજ સાફ કરતાં. જે કંઈ દાણા વેરાયેલા હોય, તેવા કણ કણને તેઓ એકત્ર કરતા અને જીવનનિર્વાહ ચલાવતા હતા. એક દિવસ તે રાજ્યના રાજને કાને વાત પહોંચી કે પોતાના રાજ્યમાં કોઈ તપસ્વી અને જ્ઞાની સંત બિરાજે છે અને તેઓ કણ કણ એકત્ર કરી ગુજરાન ચલાવે છે. રાજા મોટા રસાલા સાથે ત્યાં આવી પહોંચ્યા. સાથે અનેક રથ હતા જેમાં ખાદ્યસામગ્રી, કવ્ય, ફળ, ફૂલ વગેરે હતાં. રાજાએ કણાદ મુનિને પ્રણામ કરીને સાથે લાવેલ સામગ્રી સ્વીકારવા કહ્યું. રાજાની પ્રાર્થનાનો જવાબ આપતાં મુનિ કણાદે કહ્યું કે “રાજા, આ બધું સાચવવાની ચિંતા અને રક્ષણની જવાબદારી કરતાં તો અપરિગ્રહી રહેવામાં જ સાર છે. ઉપરાંત, સંગ્રહ, સૂક્ષ્મ અને શુદ્ર જંતુની હિંસા વિના શક્ય જ નથી, તેવું કંઈક કણાદ મુનિની વાણી અને હાવભાવમાં અવ્યક્ત દેખાતું હતું તે રાજા સમજી ન શક્યા. તેથી રાજાએ ફરી વિનંતી કરી, હે દયાળુ! કૃપા કરી મને શરમાવો નહીં, મારા રાજ્યમાં કોઈ તપસ્વી સંતને કોણ કણ વીણીને ખાવું પડે તે મારા જેવા રાજવીને શોભે તેવું નથી. હું આપની સર્વ જવાબદારી ઉપાડીશ. આપ આ સર્વ વસ્તુનો, ખાદ્યસામગ્રીનો સ્વીકાર કરીને મને સેવાની તક આપો અને મારી ભૂલ બદલ મને શરમિંદો ન કરો.”
મુનિ કણાદે કહ્યું, “રાજન, આપના રાજ્યની સરહદ ક્યાં સુધી છે તે બતાવી દે. એટલે હું તારા રાજ્યને છોડી બીજે ચાલ્યો જઈશ અને તને શરમિંદો નહીં કરું.એવું કહેવાય છે કે મુનિ કણાદ ત્યાર બાદ બીજે વિહાર કરી ગયા.