________________
(૩૬૪) વસ છોડી નગ્નાવસ્થામાં રહેવું તેને ત્યાગ માનવામાં આવે છે. તો કેટલાક શરીરને કષ્ટ આપવું, ગરમી, ઠંડી સહન કરવી તેને ત્યાગ સમજે છે. જયારે કોઈ અન્ન છોડી માત્ર ફળાહારનું સેવન કરનારાને ત્યાગી સમજે છે. અન્ન છોડી દેનારને સદ્ય અન્ન જ સ્મૃતિમાં રહે છે કારણ કે તેને સતત યાદ રાખવું પડે કે ભૂલથી પણ અન્ન ન ખાઈ જવાય. આમ અન્ન છોડયું પણ સ્મૃતિમાં સદા “અન્ન, અન્ન” એવો શિલાલેખ છેતરાઈ જાય છે. તો ક્યાં રહ્યો ત્યાગ અન્નનો? એટલું જ નહીં, જ્યાં ફળાહારી તપસ્વી વિહાર કરશે, ત્યાં ફળ મળશે કે નહીં તેની જ ચિંતા તેને સતાવશે! એટલું જ નહીં અન્ન છોડી શકાશે, વસ છોડી શકાશે, પણ તેમાં રહેલી આસક્તિ છૂટશે નહીં તો તે સાચો ત્યાગ કહેવાશે નહીં.
કોઈ દાણચોર મોટરમાં સોનાની લગડીઓ લઈને જઈ રહ્યો હોય છે. અચાનક તેને ખબર પડે છે કે પાછળ પોલીસની મોટર પીછો કરી રહી છે. તેથી તરત જ તે દાણચોર મહાન પરિશ્રમથી મેળવેલ સોનું ચાલુ મોટરે બારીમાંથી બાજુની નદીમાં નાંખવા માંડે છે અને પોલીસ પકડે તે પૂર્વે તમામ લગડીઓનો ત્યાગ કરે છે. અહીં સોનાનો ત્યાગ તો થયો છે પણ દાણચોરના મનમાં સોના માટેની આસક્તિ ગઈ નથી તેથી આ ત્યાગ વાસ્તવિક નથી.
કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે જે સ્ત્રી અને ધનને જોઈ વિરુદ્ધ દિશામાં પ્રયાણ કરે અથવા પોતાથી સ્ત્રી અને ધનને દૂર રાખે તે ત્યાગી છે. કેટલાક પૈસાને અડવામાં કે સ્ત્રીનાં દર્શન માત્રમાં પોતાને વ્યથિત, દુ:ખી સમજે છે અને તે બન્નેથી દૂર નાસે છે. તે પણ ત્યાગ નથી. જે વ્યક્તિ સ્ત્રી કે પૈસાથી વિરુદ્ધ દિશામાં દોડશે તે વિરાગી કહેવાશે અને જે ધન અને સ્ત્રીની દિશામાં દોડશે તે રાગી કહેવાશે. ધન અને સ્ત્રીની સમીપ દોડશો કે તેથી વિરુદ્ધ દોડશો તોપણ મનમાંથી સ્ત્રી કે ધન દૂર થવાનાં નથી. જે સાચો વૈરાગ્યવાન છે, ત્યાગ સમજી ચૂક્યો છે, તે પોતાની દોડ થંભાવી દે છે. પૈસાને સ્પર્શ કરવામાં તે પાપ સમજતો નથી અને છતાં સંગ્રહમાં માનતો પણ નથી. તેમ જ સ્ત્રી-દર્શનથી મૂંઝવણમાં પડતો નથી અને સાથે જ તેમાં રાગ ઊભો થવા દેતો નથી. આવો ત્યાગી રાગ અને વિરાગથી પર છે. તે વીતરાગી છે અને વીતરાગ જ ત્યાગનો મર્મ છે, સત્વ છે, ત્યાગનું એ તત્ત્વ છે.
સંન્યાસી માટે દંડ અને કમંડળનો ત્યાગ પણ સાચો ત્યાગ નથી.