________________
(૨૮૬)
આમ સમત્વમાં બંધન; મુક્તિ કે જીવનમુક્તિ નથી એટલું જ નહીં, પણ ત્યાં પ્રારબ્ધ કે વિદેહમુક્તિ પણ નથી એવું અષ્ટાવક્ર મુનિને રાજા જનક કહે છે.
क्व प्रारब्धानि कर्माणि जीवनमुक्तिरपि क्व वा । क्व तद्विदेहकैवल्यं निर्विशेषस्य સર્વથા ૮ ॥
(અ. વ. ગીતા-૨૦/૪) આમ ઉપરોક્ત ‘જીવનમુક્તિ' વિશેની શંકાનું નિવારણ થઈ ગયું. જ્ઞાની માટે તો પ્રારબ્ધ કે મુક્તિ કંઈ નથી.
આમ છતાં આજના સમાજમાં; સમયમાં જો આપણે ધર્મધુરંધરો; મહાત્માઓ; એકની શોધમાં ૧૦૦૮ અને અસંગની શોધમાં અસંખ્ય આશ્રમો; ચેલાઓ અને મતમતાંતરોની વચમાં બિરાજમાન થયેલા મહંતો; મહામંડલેશ્વરો; યોગી; મહર્ષિ; આચાર્યો કે ભગવાનોને પૂછીએ... શા માટે આપ સૌની પાસે અનેક સંસ્થાઓ; અનંત સંપ્રદાયો; મહેલો જેવા આશ્રમો; દેશ-વિદેશમાં તેની શાખાઓ; અગણિત સેવકો; ચાકરો; ભોગ-વૈભવ અને વિલાસનાં સાધનો છે? શું આ ઉપલબ્ધિ માટે આપે વૈરાગ્ય લીધેલો ? ગૃહસ્થાશ્રમ છોડેલો ? ઉપાધિ સ્વીકારેલી? અંતિમ આશ્રમ અપનાવેલો! તો તેઓ જવાબ આપશે કે “આ તો અમારું પ્રારબ્ધ અમે ભોગવીએ છીએ.’’
આવી વિભૂતિઓને પૂછવાની હિંમત કોણ કરે કે તમારા જ્ઞાનમાં તમારું પ્રારબ્ધ ભસ્મીભૂત કેમ ન થયું? જો તમારું ઘર, સગાં, બધું જ છૂટી ગયું... તો પ્રારબ્ધ કેવી રીતે ટકી ગયું! ખેર! બિલાડીને બાંધે કોણ ઘંટ! તે ધર્મધુરંધરોનો કે પૂજ્યપાદોનો ગમે તે ઉત્તર હોય છતાં જો પ્રારબ્ધ બચ્ચું હોય તો જરૂર અવિઘા બચી છે. જો દોરીને ‘દોરી' તરીકે જાણી હોય; પછી સર્પ બચે નહીં. મોં જાય અને પૂંછડી રહે તેવું થતું નથી.
શાસ્ત્ર; સંતો અને જ્ઞાનીઓ ક્હી ગયા છે, કહે છે અને કહેતા જ રહેશે. જેમ અષ્ટાવક્રગીતાએ ઉપર કહ્યું તેમ સમત્વમાં નથી બંધન; નથી મોક્ષ; નથી શરીર કે નથી પ્રારબ્ધ; નથી કર્મ, કર્તા, કે નથી ભોક્તા; નથી પૂર્વજન્મ કે નથી ભાવિ...પુનર્જન્મ; અને વર્તમાનમાં દેહ અને જગતમાં જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય ભાસે છે; પ્રતીતિ થાય છે; તે મિથ્યા છે, આરોપ છે, અધ્યાસ છે.
તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિમાં બ્રહ્મથી ભિન્ન કે અતિરિક્ત કંઇ જ નથી.