________________
(૨૫૩)
આમ ઘરમાં લાકડું માનવું તે એક વાત છે, પણ લાકડાને જ ઘર માનવાથી તો ફર્નિચર, જંગલ, વૃક્ષ સૌ ઘર જ થઈ જાય. તેમ શરીરને જ આત્મા માનવાથી હું જે અજર-અમર-અવિનાશી-અવિકારી છું તે વિકારી અને નાશવંત થઈ જાઉં. આમ છતાં આ બધું જ ભ્રાંતિમાં દેખાય છે અને તેનો કોઈ ઈલાજ નથી, ‘શરીર જ આત્મા છે' તેથી વિકૃત કોઈ ભ્રાંતિ નથી. ઘણાને ભ્રમ થઈ જાય છે કે પોતે પયગંબર છે, વૈજ્ઞાનિક છે, રાષ્ટ્રપતિ છે, સેનાપતિ છે. કેટલાક એવા મતિભ્રમથી પીડાય છે કે તેઓ ઘોડો ગળી ગયા છે. તો એક વ્યક્તિને એવો ભ્રમ થઈ ગયો કે પોતે ચોખાનો દાણો બની ગયો છે. કેમે કરીને તે ભ્રમ દૂર ન જ થયો. ઉપચાર અને સારવારથી પૈસાનું પાણી થયું...અંતે એક મનોવૈજ્ઞાનિકની સારવારથી તેના મનમાં ઠસાવવામાં આવ્યું કે તે ચોખાનો ઘણો નથી, પણ બીજા જેવો માણસ છે. આમ ઘણી મહેનતને અંતે તે સમયો કે હવે મને કોઈ ચણી શકે નહીં. હવે હું પવનથી ઊડી શકું નહીં. આમ જૂની ભ્રાંતિ અને સંસ્કાર ભૂંસી તેને નવું શિક્ષણ આપવામાં આવેલું કે હવે તારે ડરવાની જરૂર નથી. અને તે સામાન્ય જીવન જીવતો થઈ ગયો. એક વાર તે પોતાના સ્નેહી અને મિત્રો સાથે પ્રાણીબાગમાં-‘ઝુ’માં ગયો. અને અચાનક તે પંખીઓના પાંજરા આગળ થંભી ગયો અને તેટલામાં એક કૂકડો બોલ્યો અને પેલા ભાઈએ દોડાદોડ શરૂ કરી.તરત જ મિત્રોએ સમજાવ્યું કે કેમ ડરે છે? તારો ભ્રમ હજુ ગયો નથી! તું ક્યાં ચોખાનો ઘણો છે? તું તો માણસ છે. તેણે જવાબ આપ્યો કે મને ખબર જ છે કે હું માણસ છું...પણ આ મરઘી કે કૂકડાને કેવી રીતે ખબર પડે કે હું માણસ છું?
આમ વર્ષો જૂના રીઢા થયેલા સંસ્કારો; ખોટું તાદાત્મ્ય; જન્મોજન્મની અવિઘાથી એવો અધ્યાસ અને ભ્રાંતિ થઈ છે કે ‘હું શરીર છું” અગર ‘શરીર તે જ હું છું’ તે ભ્રાંતિ સતત સ્વરૂપના ચિંતન, મનન કે નિદિધ્યાસન વિના નષ્ટ થાય તેમ નથી. આ તો એવી દુર્દશા છે કે વ્યક્તિ પોતે જ પોતાની જાતથી વિખૂટો પડયો છે. પોતાને જ પોતાની વિસ્મૃતિ થઈ છે. હવે યાદ કરાવે કોણ? બીજાની શોધ પોતે કરી શકે; પણ પોતાની શોધ કરે કોણ ? આવી શોધ માટે થોડું આંતરિક એકાન્ત; ચંચળતાનો અભાવ; વાસનાનો અંત અને વિચારસાગરમાં ડૂબકી...તે જ પ્રયત્ન વારંવાર...સતત સંશોધન; સદંતર વિષયવિસ્મૃતિ; નિરંતર સ્વરૂપની સ્મૃતિ.