________________
(૧૫૮).
જો શરીરને જ આત્મા માનીશું તો આત્મા શૂન્યવત અર્થાત્ શરીર જેમ જડ થશે, જન્મમૃત્યુવાળો થશે. માટે જ શરીરને આત્મા ન માનતા; આત્માને શરીરથી ભિન્ન, પુરુષ, મંગળમય, શ્રુતિસમ્મત, અસંગ, અજર, અમર માનવાની, સમજવાની, વિચારવાની જરૂર છે.
જે જે આપણને અપ્રિય છે તે પણ આપણું સ્વરૂપ નથી. મૃત્યુ, અજ્ઞાન, દુ:ખ, પરિચ્છિન્નતા, ભય, બંધન સર્વ આપણા માટે અપ્રિય છે-તેથી તે આત્મા નથી-અનાત્મા છે. માત્ર આત્મા જ પરમપ્રિય છે.
આપણો અનુભવ છે કે અપમાન, ગુલામી, વિરોધ, નિંદા તરફ આપણે કદી રુચિ દર્શાવી નથી. કેટલીક વસ્તુ જન્મજાત આપણામાં આવી છે તે પૂર્વના સંસ્કારનું જ દર્શને છે. આમ જન્મોજન્મથી અમુક વસ્તુ માટેની અરુચિ દશવિ છે કે તે આપણું સ્વરૂપ કદી નથી. આમ વિચારણાના પંથે પ્રવાસ કરતાં સ્પષ્ટ થાય છે કે આત્મા અર્થાત “સ્વરૂપ” સદાય મુજથી અભિન્ન છે, દેહથી પર છે, અભય છે. પણ જો તે નહીં સમજાય તો જ હું મારા જ સ્વરૂપને જીવતાં જડ ગણીશ. જાતે જ જાતની હત્યા કરીશ.
જેમ કોઈ પણ મૂર્તિમાં સોનું, રૂપું કે ધાતુ જુદી છે અને મૂર્તિ જુદી છે. આકારોમાં અનેકતા હોય, ધાતુ એક હોઈ શકે. આરસનો પથ્થર એક હોઈ શકે. આકારમાં અનેકતા સંભવી શકે. આકાર જન્મે છે. નાશ પામે છે. પછી તે માટી કે સોનું ગમે તે હોય. એટલું જ નહીં મૂર્તિ ઉપર જે પરમાત્માની પ્રાણ-પ્રતિષ્ઠા થાય છે તેની અને મૂર્તિની વચ્ચે પણ ભેદ છે. જેની પ્રતિષ્ઠા થાય છે તે પરમાત્મા અમૂર્ત છે, અદશ્ય છે, અનામી, નિરાકાર છે. તેમ જ આત્મા અનામી, નિરાકાર, અમૂર્ત, અદ્રશ્ય છે છતાં દૃશ્ય, સાકાર અને મૂર્તિ જેવા મૂર્ત શરીરમાં છે તે નિસંદેહ છે. શરીરમાં છે છતાં શરીરથી અસંગ, નિ:સંગ, અતીત, આત્મા છે, અને હું પણ તેવો જ અરંગી, અસંગી દેહાતીત છું; તે જ જ્ઞાન છે.