________________
(૨૨૧). બન્ને પદાર્થો અસત છે. નથી સત્ અંદર દેખાય તે, નથી બહાર દેખાય તે, અરે, જ્યાં ચિત્ત ચૈતન્ય જ જુદાં નથી ત્યાં તેમણે કલ્પલા, આરોપિત કરેલા પદાર્થો કયાંથી સાચા હોય? તેથી જ તો નરસિંહ મહેતાએ ગાયું...
“ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.” જાગ્રત અને સ્વપ્નના પદાર્થોને કલ્પના પણ ચિત્ત; તેની સાથે ભોગ કરનાર પણ ચિત્ત; ભોગથી સુખી-દુ:ખી થનાર પણ ચિત્ત; ચૈતન્યથી અભિન્ન છે, છતાં વિષયાસક્ત થઈ, વાસનાગ્રસ્ત થઈ ભેદ ભાસે છે. આમ અદ્વૈતભાવમાં, ઐકયદર્શનમાં અન્ય નથી, સમાજ જ નથી તો સમાજ-સેવક કયાં? સંસાર જ નથી તો સંસારી કેવો? કોઈ બગડ્યું જ નથી તો સમાજસુધારક કેવો? અભેદમાં, મારા શુદ્ધ ચૈતન્યમાં અંત:કરણ નથી તો શુદ્ધિ કેવી? આમ છતાં સમાજસેવા અને સુધારાની વાતોએ જોર પકડ્યું તેની પાછળ એક ભ્રાંતિ જીવંત છે કે પુણ્યકર્મથી પાપ ધોવાઈ જશે. જો આ ભ્રાંતિ સાચી જ હોય તો પછી પાપનું કારણ પુણ્ય કહેવાય અને પુણ્યકર્મ કરવાથી દુ:ખ દૂર થશે અને આનંદ મળશે. પણ એવું જોવા મળતું નથી. પુણ્યકર્મ કરનારા દાતાઓ અને સેવકો, સુધારકો, બેચેન, અશાંત અને દુ:ખી જોવા મળે છે. તેમની પાસે સુખ છે, સગવડ છે, પણ શાંતિ કે આનંદ નથી. સુખ અને સગવડનાં સાધનો શાંતિના-આનંદના બાધકો છે. સમાજસેવાની પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ કરતાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે તેમાં શંકા નથી. પણ તેવી સાત્વિક કે પુણ્યપ્રવૃત્તિથી દુ:ખ દૂર થશે તે નરી ભ્રાંતિ છે. દુ:ખ કે દર્દનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન આપણી અંદર છે. તેના નાશથી આનંદ પણ અંદરથી જ ઉદ્ભવશે, બહારથી આવશે નહીં. બહારની પુણ્ય કે સાત્વિક પ્રવૃત્તિ આંતરિક દર્દનો નાશ કરવા માટે નિષ્ફળ જશે તે સ્પષ્ટ સમજી લેવું. લોકકલ્યાણની વાત બાહ્ય જગતમાં જગત માટે જ થાય છે અને લોકકલ્યાણ તે પણ વ્યવહાર છે. તે વ્યવહાર જગતમાં જ થાય છે છતાં અહીં સ્પષ્ટ છે કે જે જે વ્યવહારમાં ઉપયોગી છે; વ્યવહારમાં અનુભવગમ્ય છે-તે જગત પણ જ્ઞાનકાળે બાધિત થાય છે, જેમ જાગૃતિકાળે સ્વપ્નસૃષ્ટિ બાધિત થાય છે. તેથી પુણ્યની, સેવાની, કલ્યાણની, ઉદ્ધારની પવિત્રમાં પવિત્ર પ્રવૃત્તિ લોકવ્યવહાર છે. અને જ્ઞાન થતાં તે સર્વ બાધિત થાય છે. કારણ કે જગત, વ્યવહાર, સર્વ કંઈ અસત જ છે.