________________
(૨૫૦)
કલ્પિત હોય તે વસ્તુ તેનાથી ભિન્ન નથી. તેથી બ્રહ્મથી જગતનો વાસ્તવ અભેદ છે. માટે બ્રહ્મથી ભિન્ન જગતની સત્તા નથી.
દેહાત્મભાવની ભ્રાન્તિ
આગળ વિચારી ગયા કે જડ અને ચેતન કે આત્મા અને અનાત્માના વિભાગો મિથ્યા છે. તેનો અર્થ એ કે સર્વ કાંઈ આત્મા જ છે. તો પછી શરીર જ આત્મા છે તેમાં ખોટું શું છે? આવી વાત ખોટી જ નથી, મૂર્ખતા જ નથી, પણ મૂઢતાની પરાકાષ્ઠા છે. આમ કહેવાથી તો ઊલ્ટું ભેદ સાબિત થાય; સ્પષ્ટ થાય. કારણ કે શરીર જ આત્મા છે; અર્થાત્ તે સિવાયના અનાત્મા થાય. તેથી એમ સમજવું જોઈએ કે અનેકમાં, સર્વસ્વમાં અનંત નામ અને આકારમાં, વ્યક્ત અને અવ્યક્તમાં, દૃશ્ય અને અદૃશ્યમાં જેમ આત્મા છે, તેમ જ શરીરમાં પણ છે. આવી સમજ દૃઢ કરવા હવે પાંચ શ્લોક દ્વારા દૃષ્ટાંત આપવામાં આવે છે, જેનો મૂળ હેતુ ભ્રાંતિની નિવૃત્તિ છે. પણ આ ભ્રાંતિ અર્થાત્ શું? ભ્રાંતિ એટલે અધ્યાસ.
અધ્યાસ અર્થાત્ શું?
અધ્યાસ અર્થાત્ મિથ્યાજ્ઞાનનો વિષય જ અનિર્વચનીય હોય છે તે વિષય કે વસ્તુ અને તેનું જ્ઞાન તે અધ્યાસ છે. દા. ત. છિપોલીમાં રૂપાનો અધ્યાસ છે. જ્યાં છીપનું અસ્તિત્વ વ્યાવહારિક છે અને રૂપાનું અસ્તિત્વ પ્રાતિભાસિક છે. માટે છિપોલીમાં કલ્પિત રૂપું અને રૂપાનું મિથ્યાજ્ઞાન બન્ને અધ્યાસ કહેવાય છે.
‘પંચદશી’માં જણાવ્યા પ્રમાણે પોતાના અભાવવાળા અધિષ્ઠાન કે અધિકરણમાં પોતાની પ્રતીતિને અધ્યાસ કહે છે. જેમ કે છીપમાં રૂપાનો અભાવ છે છતાં અધિષ્ઠાન કે અધિકરણ છીપમાં રૂપાનો ભાસ કે પ્રતીતિ થાય તે અધ્યાસ કહેવાય.
રજજુમાં સર્પનો અભાવ છે છતાં રજજુમાં સર્પની પ્રતીતિ થવી તે અધ્યાસ છે. અધિષ્ઠાન કે અધિકરણ છીપ, રજજુ કે રણની જેમ વ્યાવહારિક પણ હોય અને આત્માની જેમ પારમાર્થિક પણ હોઈ શકે જેનો અધ્યાસ થાય તે રૂપું, સર્પ કે મૃગજળ, પ્રાતિભાસિક સત્તાવાળો વિષય કે વસ્તુ પણ હોઈ શકે.
આમ અધ્યાસ સમજ્યા બાદ એ સમજવું પડે કે આવો અધ્યાસ