________________
(૨૧૩) (૨)આત્માનું કે સ્વરૂપનું અજ્ઞાન દૂર થયું હોય છતાં તેવા પરોક્ષ જ્ઞાનમાં જો શંકા જાગે તો શ્રવણ પછી મનન કરવું જરૂરી છે.
(૩)આવા પ્રયત્ન છતાં “સ્વ”-સ્વરૂપના જ્ઞાનમાં વિપર્યાય જણાય તો નિદિધ્યાસન કરવું જરૂરી છે.
અને નિદિધ્યાસનના સહારે જો “સ્વ”સ્વરૂપનું અજ્ઞાન દૂર થાય તો જ સ્પષ્ટ થઈ શકે કે બીજામાં પણ આત્મસ્વરૂપે હું જ બિરાજમાન છું. હું જ જગતનું અધિષ્ઠાન છું અને મુજથી ભિન્ન કોઈ નથી. ભલે વ્યવહારમાં ભેદ ભાસે, પ્રતીત થાય, પણ પારમાર્થિક દષ્ટિમાં તો ઐકય જ જણાય. અને તેવી ઐકયની દૃષ્ટિથી જ હનુમાનજી શ્રી રામચંદ્રને કહે છે કે હે રામજી, દેહબુદ્ધિથી હું આપનો દાસ છું, જીવબુદ્ધિથી હું આપનો અંશ છું. આપ ભગવાન અને હું ભક્ત છું. પણ આત્મબુદ્ધિથી ન તો આપ રામ છો; ન હું હનુમાન છું. આપણે અભેદ છીએ. આવી રીતે આત્મબુદ્ધિ કે અદ્વૈતાવસ્થામાં, સૂક્ષ્મ બુદ્ધિ કે પરમાર્થમાં, ઉપાધિના લયમાં કે આત્મઅજ્ઞાનની નાબૂદીમાં, કદી અણુમાત્ર પણ ભેદ દેખાતો નથી.
આત્મ-અજ્ઞાનમાં જ હું પીડા પામી શકે અને અન્યને પીડા પહોંચાડી શકું. હું અપમાન કરી શકું અને અપમાનિત થઈ શકે, હું પરાજિત કરી શકું, પરાજયથી દુ:ખી થઈ શકું. હું અન્યની નિંદા કરી શકું, નિંદા સાંભળી દર્દ અનુભવી શકું, પણ જો “સ્વ'ના જ્ઞાનથી હું મને બીજામાં જોઈ શકું તો, મારી નિંદા કેવી રીતે કરું? મારું અપમાન હું શા માટે કરું? બીજામાં જો હું જ છું તો હું મને મારા દ્વારા પીડા કે પરાજિત ન જ કરું. અને જો તેવું દુષ્કૃત્ય કરું તો તે મારો જ પરાજય, મારી જ નિંદા, મારું જ અપમાન અને મને જ પીડા છે મારા દ્વારા. તત્ત્વ સમજાય, આત્મસ્વરૂપની એકતા સમજાય તો તમામ પશુ, પંખી, પ્રાણી માત્રમાં મને મારું જ સ્વરૂપ દેખાય. પછી ભલે રૂપ જુદું હોય. તે રૂપની જુદાઈ તો વસ્ત્રોની જુદાઈ છે. દરેક માનવીમાં, જીવમાં, આત્મા તરીકે હું જ છું. છતાં મેં જુદા જુદા આકારના, રૂપનાં શરીર રૂપી વસ્ત્રો ધારણ કર્યા છે. અગર જેમ પાર્ટીમાં જવા કોઈ વાર બીજાનો સૂટ કે સાડી ધારણ કરીએ તેવી જ રીતે અનેક જીવોએ કપડાં બીજાનાં પહેર્યા છે છતાં તેમાં ચૈતન્ય તો હું જ છું. મારી જાતનાં દર્શન કરવા; પંચમહાભૂતના રંગે રંગાયેલ માત્ર વસ્ત્ર જ ફેંકી દેવાની જરૂર છે. પછી તો બધે હું, હું અને હું જ.