________________
(૧૫૯)
દેહાત્મભાવોનું નિદાન ભગવાન શંકરાચાર્યજી હવે પુન: કૃપા કરી પૂર્વવિચારનું પુનરાવર્તન કરે છે. શાસ્ત્રોમાં એકના એક વિચારને દઢ કરવા પુનરુક્તિ અથવા પુન: ઉચ્ચારણની પ્રથા છે. તે શૈક્ષણિક પદ્ધતિનું પરંપરાગત લક્ષણ છે. જેમ ઘાસના મેદાનમાં એક જ જગ્યાએથી વારંવાર ચાલતાં ત્યાં કેડી પડી જાય અને ઘાસ ઊગતું નથી તેમ પુનરાવર્તનથી “ધારણ” “રીટેન્શન' સારું થાય છે. કારણ કેડી જેમ સ્મૃતિની રેખાઓ સ્પષ્ટ થાય છે. જે શિક્ષણનું ધારણ સારું હોય તેને વિના વિલંબે ઝડપથી સ્મૃતિપટ પર લાવી શકાય છે. અર્થાત્ જલદી, ધારીએ ત્યારે યાદ કે “રીકૉલ કરી શકાય છે.
પુનરાવર્તનનું બીજું કારણ શ્રોતાના માનસને તૈયાર કરવા માટે છે. મેન્ટલ સેટ તૈયાર હોય પછી કંઈ કહેવાય તો ઝડપથી ગ્રહણ થાય. શ્રોતા એટલે રેડિયો “રિસિવિંગ સેટ અને વક્તા અર્થાત્ “ટ્રાન્સમીટર-રેડિયોઘર.” ઘણી વાર આપણે અનુભવીએ છીએ કે કોઈ મહત્વનો કાર્યકમ આપણા મિત્રનો આવવાનો હોય અને જે રેડિયો ખામીયુક્ત હોય તો આપણે અનેક પ્રયત્ન વડે તેની સોય બધે ફેરવીએ છીએ. પાડોશીના ઘેર બરોબર સંભળાય છે પણ આપણા યંત્રમાં જ ખામી છે. ટ્રાન્સમીટરમાં ખામી નથી. અંતે જ્યારે આપણા રેડિયોમાં બરોબર ધ્વનિના પ્રવાહો પકડાવા લાગે છે ત્યારે પેલો કાર્યક્રમ સમાપ્ત થઈ જાય છે. રિડિયો’ આગળ વન્સમોર'-દુબારા'ની બૂમો પાડવાથી પણ પુન: પ્રસારણ થતું નથી. આવી નિરાશા શ્રોતાને ન થાય માટે પરંપરાગત શિક્ષણપ્રણાલિકામાં એક જ વિચારનું અવનવાં દષ્ટાંતો સાથે પુનરાવર્તન કરવાની પ્રથા ચાલી આવી છે. તેથી શ્રવણ કરતાં શ્રોતાની માનસિક સ્થિતિ એક વખત જો બરોબર ન હોય અને સ્પષ્ટ ગ્રહણ ન થયું હોય તો પણ ધીરજથી શ્રવણ કરવાની તિતિક્ષા જેનામાં છે તેની તમામ શંકા નિ:સંદેહ પુનરુક્તિથી દૂર થાય છે.
હવેના આઠ શ્લોકોમાં પુન: સમજાવ્યું છે કે આપણે ન દેહ છીએ: ન તો દેશકાળ વસ્તુથી પરિચ્છિન્ન જડ આકાર છીએ. ન તો આપણને જરા, મૃત્યુ સ્પર્શ કરે છે, ન તો આપણામાં વિકાર, પરિવર્તન કે અવયવો છે. આપણે સાક્ષાત, અપરોક્ષ, અજર, અમર, અભેદ, અભય, બ્રહ્મ કે આત્મસ્વરૂપ છીએ.