________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
શારીરિક કે માનસિક અતિક્રમણ, વ્યતિક્રમણ કે અનાચાર થઈ જવાનો સંભવ રહે છે. તેવા જાણે અજાણ્ય થતા શારીરિક અને માનસિક દોષોને બાળી નાખવાના ઇલાજ વખતસર ન લેવામાં આવે તો તેના ઘણા દોષો એકઠા થઈ ગંભીર નુકસાન પહોંચાડે એ દેખીતું છે.
પણ જો એ ગુન્યાનો દંડ કે એ ભૂલનું પ્રાયશ્ચિત તુરત લેવામાં આવે તો અનિષ્ટ પરિણામ ન આવે. જઠર ઉપર થએલા બોજાને ઓછો કરવા લાંઘણ કે ઉપવાસ ન કરવામાં અને આરામ લેવામાં આવે તો માઠી અસરો એટલેથી જ દબાઈ જાય. આ પ્રમાણે જાણતાં, થતા દોષોની અસરને આગળ વધતી અટકાવવા માટે એક અથવા બીજા પ્રકારની કુદરતી દવા” અથવા “તપની જરૂર રહે છે.
તેમજ વ્યવસાય, પ્રવૃત્તિની ધાંધલમાં પડવાથી આત્મજ્ઞાન ભૂલી જવાથી વિભાવરમણતા થાય છે, અસત્ય બોલાઈ જવાય છે, અયોગ્ય કામ કરાઈ જવાય છે. માનસિક શાંતિ ગુમાવી બેસાય છે. પણ જો તે પછી એકાંતમાં બેસી સ્વાધ્યાય એટલે જ્ઞાનદાયક પુસ્તકોનું વાંચન મનન કરવામાં આવે, ધ્યાન, પશ્ચાતાપ અને ધર્મસેવા કાર્ય કરવામાં આવે તો ગુમાવેલી માનસિક શાંતિ પાછી આવે છે અને થયેલા દોષો ઓછાવત્તા દૂર થાય છે.
વળી પૂર્વજન્મના કર્મો પણ હોવાથી તેને ખપાવવા માટે પણ તપની જરૂર રહે છે. આ પ્રમાણે પૂર્વ તથા વર્તમાનના દોષોને નિવારવા માટે શારીરિક તેમજ માનસિક અતિક્રમણની અનિષ્ટ અસરોને નાબુદ કે ઓછી કરવા માટે તપની ખરેખર જરૂર છે.
નિર્જરા તપને આધીન છે. વિદ્યમાન કર્મ તપના પ્રભાવથી ક્રમે ક્રમે નાશ પામે છે. જ્યારે કર્મ સંપૂર્ણપણે ખપી જાય છે ત્યારે પરમાનંદરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે મોક્ષનું કારણ નિર્જરા છે અને તપથી નિર્જરા થાય છે.
અવિરતિ અસંયમી સમ્યગ્દષ્ટિ મનુષ્યનું તપ મહાન ઉપકાર કરવાવાળું બનતું નથી. કારણ કે અસંયત મનુષ્ય તપથી કર્મની નિર્જરા કરે છે પરંતુ અસંયમથી બીજા ઘણા નવા કર્મ ગ્રહણ કરે છે. તેથી અસંયમીને તપનું જોઈએ તેવું સારું ફળ મળતું નથી. અને તેનું તપ કર્મને નિર્મૂળ કરવાને સમર્થ બનતું નથી.
એટલે તપની સાથે સંવર ભળે તેથી નવા કર્મ આવતા બંધ થાય તો મોક્ષની પ્રાપ્તિ ઘણી જલદી થઈ શકે.
તપ શબ્દ તન્ ધાતુ પરથી બનેલો છે. તમ્ એટલે તપાવવું. એટલે શરીરને તેમજ ઉપલક્ષથી કર્મોને તપાવે, બાળી નાખે તે તપ કહેવાય. તેથી કહ્યું છે કે –
रसरूधिरमांस भेदोऽस्थिमज्जाशुक्राण्येन तप्यन्ते ।। कर्माणि चाशुभानीत्यतस्तपो नाम् नैरुक्तम् ॥