________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સંલીનતા તપ આવ્યંતર તપનું પ્રવેશદ્વાર છે.
જ્ઞાનીઓ કહે છે કે જે વ્યક્તિ પહેલા ચાર તપ બરાબર કરી શકે તે કાયકલેશ અને સંલીનતા તપના માધ્યમથી આત્યંતર તપમાં પ્રવેશ કરી શકે છે.
* પહેલા ચાર તપ કરનારો જ સાચા અર્થમાં કાયકલેશ તપ કરી શકે. * કાયકલેશ તપ કરનારો જ સાચા અર્થમાં સલીનતા તપ કરી શકે છે અને * સંલીનતા તપ કરનારો જ આત્યંતર તપમાં સહેલાઈથી પ્રવેશ કરી શકે માટે જ કહ્યું છે
કે સંલીનતા તપ એ “આત્યંતર તપનું પ્રવેશદ્વાર” છે. અકર્તવ્ય દિશામાં દોડવાનું મન થાય છતાં મનને અકર્તવ્યની દિશામાં જતું રોકવું તે સંલીનતા અને એ રીતે મનને ન રોકતાં અકર્તવ્યની દિશામાં દોડવું તે સંલીનતાનો નાશ. મન ગમે તેટલી ઇચ્છા કરાવે પણ જ્યાં આત્માનું હિત નથી ત્યાં અટકી જવું તે સંલીનતા અને અટકે નહિ તો સંલીનતાનો નાશ થાય. “મારું હિત શામાં છે? અહિત શામાં છે? એની પોતાને ખબર ન પડે તો ગીતાર્થ ગુરુને પૂછે અને ગીતાર્થ ગુરુ ના પાડે તો તે દિશામાં જવું નહિ તે પણ સંલીનતા છે.”
ગીતાર્થ ગુરુને માથે રાખી મારે મારું હિત સાધવું છે. આવો ભાવ આ પણ સંલીનતા છે. આ રીતે સંલીનતા તપ કરનારો અંતર્મુખ બને, અંતર્મુખ બને એટલે પોતાના દોષો દેખાવા માંડે, ખટકવા માંડે, અને જે દોષોનું દર્શન થાય તેની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત તપ છે. સંલીનતા :
અસંયમિત શરીરના પ્રત્યેક અંગો પાપ કરવાવાળા બની શકે છે. માટે જ સંયમમાં રાખવાનો ઉદ્દેશ આ તપનો છે. ઉઠવા-બેસવામાં કોઈપણ જીવને નુકશાન ન પહોંચાડવું. પાપ ભાવનાથી બીજાના ગુપ્ત અવયવો ન જોવા, હરવા-ફરવામાં ધ્યાન રાખીને કે બેધ્યાનપણાની ચાલાકી ન કરવી, ખાવાપીવામાં આત્મા સ્વાદના ખોટા ભ્રમમાં ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખીને શરીરની બધી જ અશુભ ક્રિયાઓની મર્યાદા કરવી તે સંવર છે જે ઉપાદેય ધર્મ છે.
શિકારના હાથમાં ફસાયેલો કાચબો કમોતે મરવાવાળો હોય, પરંતુ એ જ સમયે પોતાના અંગોને સંકોચી લે છે ત્યારે તે મરણમાંથી જરૂર બચી જાય છે. એ જ રીતે કામદેવરૂપી ગુંડાથી, ક્રોધરૂપી ભૂતથી, માનરૂપી અજગરથી, માયારૂપી નાગિનથી અને લોભરૂપી રાક્ષસથી બચવા તથા શરીરના વ્યાપારોને રોકવા માટે પ્રયત્ન કરવો જ લાભદાયી છે. જેનાથી ઘણા બધા નિરર્થક પાપોથી બચી શકાય છે. આના જેવો સુંદર રસ્તો આત્મકલ્યાણ માટે બીજો કયો હોઈ શકે ?
(૧૩૯)