________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
માન તપસ્વીને સ્વાધીન હોય, તપસ્વી માયાને આધીન ન બને. માયા તપસ્વીને સ્વાધીન હોય. તપસ્વી લોભને આધીન ન બને, લોભ તપસ્વીને સ્વાધીન બને.
જેનું માથું શાંત હોય તે તપસ્વી છે. આત્મરમણતા કરનાર તપસ્વીનું જ માથું શાંત હોઈ શકે છે.
જૈન શાસનમાં તો તપસ્વી એ આઠ પ્રભાવકોમાનાં એક પ્રભાવક છે. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયી મહારાજે ગુજરાતી ભાષામાં સમ્યકત્વના સડસઠ બોલની સજઝાય અંતર્ગત આઠ પ્રભાવકની ઢાળ રચેલી છે. તેમાં પાંચમા પ્રભાવક તરીકે પ્રભાવક તપસ્વી કેવો હોય તેનું વર્ણન કરતાં કહ્યું છે કે,
તપ ગુણ ઓપે રે, રોપે ધર્મને ગોળે નવી જિન આણ,
આશ્રવ લોપે રે, નવિ કોપે કદા, પંચમ તપસ્વી એ જાણ.” તપસ્વી તપ ગુણને દીપાવે છે. તપથી દીપનારા આરાધક છે અને તપને દીપાવનારા પ્રભાવક છે. તપથી ખુદ પોતે શોભે તે આરાધક અને તપ ગુણને દીપાવે તે તપનો પ્રભાવક છે. આત્મસ્વરૂપમાં રમણતા કરનારો, જીનેશ્વર દેવની આજ્ઞામાં રહેવાવાળો હોય તથા કષાઓને દૂર કરનારો જીવ તપ ગુણને દીપાવનારો બને છે.
જે કોઈ તપસ્વીના પરિચયમાં આવે તેને તે ધર્મ પમાડતો જાય, તે તપ ગુણનું અન્યમાં રોપણ છે. તપસ્વીની ત્યાગવૃત્તિથી ભક્તિ કરનારાઓમાં ધર્મના બીજ પડે છે.
શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને લોપ થાય તેવું કોઈ કાર્ય તપસ્વી ન કરે. સઘળા આશ્રયોનો લય કરે અને શક્તિ ન હોય તો યથાશક્ય આશ્રવોનો ત્યાગ કરે તપ કરનાર કદી પણ કોપ ન કરે આવા ગુણવાળો તપસ્વીને શ્રી જૈન શાસનમાં પાંચમાં નંબરનો પ્રભાવક કહ્યો છે.
તપમાં શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન એવું કરે કે તે જીવ સંસારમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી જિનની આજ્ઞા તેની સાથે રહે. કદાચ કોઈ વાર ભૂલાઈ જાય તો પણ ઝટ પાછી આવી જાય. તપ કરનારો જીવ ભગવાનની આજ્ઞા સમજવાનો પ્રયત્ન કરવાવાળો જ હોવો જોઈએ. તપના અવસરે તપ કરે અને પછી રાત્રિ ભોજનાદિ કરે તો તે જીવ તપનો પ્રભાવક તો ન બની શકે, પણ તપની નિંદા કરાવવામાં નિમિત્ત બની પાપનો ભાગીદાર પણ બની જાય. જિનાજ્ઞા જેના હૃદયમાં અંકિત થઈ ગઈ હોય તેનું જીવન સુધરે, મરણ સુધરે, પરલોક સુધરે અને અંતે મુક્તિપદની પ્રાપ્તિ થાય.
તપ માત્ર શરીરને તપાવવા માટે નથી કરવાનું પરંતુ આત્મા પર અનાદિકાળથી ઘર કરી બેઠેલા કર્મોને જડમૂળથી નાશ માટે કરવાનો છે. સંસાર જેને ભયંકર લાગે, તેનો જ તપ સફળ બને. સંસાર જેને ભયંકર લાગે તે જીવ સંસારમાં રહ્યો હોય છતા પણ રાગી સર્વવિરતિનો જ હોય અને દ્વેષી સંસારનો જ હોય.