________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૨.૮ તપ આત્મારાધના તરીકે સર્વગ્રાહી
છગન લીલીને કહે તારી સખી રસ્તે મળી હતી. કેવી લોહચુંબક જેવી છે. ચોંટી જ ગઇ પત્ની કહે – એ ભલે લોહચુંબક હોય, તમે લોખંડ કેમ બન્યા?
સંસારના આકર્ષણો વિષયો લોહચુંબક જેવા છે. આપણે એમાં ખેંચાઇ જનારા લોખંડ છીએ. તેથી એ આપણને ખેંચી જાય છે. આપણો પુરુષાર્થ નબળો પડી જાય છે. એ નબળા પુરૂષાર્થને ટકાવવા શ્રદ્ધા અખુટ જોઈએ. કેવી ભુલભુલામણીમાં ફસાઈ ગયા છીએ. ત૫ લોહચુંબક જેવો જોઇએને આહાર સંજ્ઞા લોખંડ જેવી જોઈએ પરંતુ આહાર સંજ્ઞા લોહચુંબક બની ગઇ અને તપ લોખંડ જેવો થઇ ગયો. બસ ત્યારથી આહાર સંજ્ઞાના ગુલામ બની ગયા છીએ. આ ગુલામીમાંથી મુક્ત થવું હશે તો તપ આત્મસાધના તરીકે સર્વગ્રાહી રૂપે સ્વીકારવી પડશે. સાધનાત્મક રીતે ?
તપ કરવાથી ભાવોની શુદ્ધિ થાય છે. જેના દ્વારા નિર્મળતાની પ્રાપ્તિ થાય છે અને નિર્મળભાવે કરેલી કોઈપણ ધર્મસાધનાને ધર્મસુકૃત નિષ્ફળ જતું જ નથી. કેમ કે એનાથી અશુભાનુબંધ નાશ અને શુભાનુબંધનો વિકાસ થતો જ જાય છે માટે જ જીવનભર ધર્મ કર્થે ગયા અને બાહ્યથી દરિદ્રતા અપયશ અનાદર વગેરે દુઃખ ઊભા રહ્યાં તો ત્યાં જરાય નહિ માનવાનું કે “મારો ધર્મ કોઈ ફળ્યો નહિ આંતરિક, અશુભ, અનુબંધ તૂટતા ગયા ને શુભાનુબંધ ઊભા થતા ગયા એ જ ધર્મનું મોટું ફળ છે.
મહાવીર ભગવાન જેવાએ પણ કઠોર તપ કરવાની સાથે નિર્મળભાવોને પ્રાપ્ત કર્યા, એ ભાવોની ઉપયોગિતા પણ કેટલી થઈ. તપની સાથે સાથે જીવલેણ દુશ્મનો પર પણ સ્નેહ-વાત્સલ્યભાવ, ક્ષમાભાવ, કરુણાભાવ, સમતાભાવ વગેરે શુભભાવ જ રાખેલા. એના પર જીવન જીવી ગયા છે.
તપ કરવામાં આ લક્ષ્ય રાખવું કે મારામાં અશુભ ભાવ અટકી જાય અને શુભ ભાવ જાગતા રહે. તપ નથી કરતો તો આહારસંજ્ઞાના અશુભ ભાવ રહ્યા કરે છે ને તપ કરું તો કમસે કમ તપના કાળ પૂરતું એ અશુભ ભાવ રોકાય. (૧) તપના આનંદના ને અનુમોદનાના શુભ ભાવ રહે. (૨) જિનાજ્ઞા પાલનમાં શુભ ભાવ રહે. (૩) તપમાં વિશેષ સામાયિકાદિ ના જીવદયા, બ્રહ્મચર્ય, આદિના શુભ ભાવ રહે. (૪) તપ કરશું તો ભોજન બનાવવા નિમિત્તના આરંભ-સમારંભમાં થતી જીવહિંસા તપના હિસાબે અટકીને જીવદયા પાળશે. એનાથી શુભભાવ ટકી રહેશે.
બાહ્ય તપ કરે તો જ આ આંતરિક ભાવોનું કાર્ય બની આવે, માટે બાહ્ય તપનું કેટલું બધું મહત્ત્વ છે. આના ઉપરથી ખ્યાલ આવશે કે તપ નકામો છે. એવું નથી કે તપ ન કરવો એવું નથી, પરંતુ બાહ્ય તપ આ લક્ષ્યથી જરૂરાજરૂર કરવો.