________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઉપરનાં વિવિધ પ્રસંગો અને કારણો સ્પષ્ટતાથી સમજી શકાય છે કે અષ્ટમીને દિવસે સૂર્યમાંથી પ્રાપ્ત થતી જીવન શક્તિ નિર્દોષ અને સર્વથી વધારે પૂર્ણ હોય છે.
આકર્ષણથી થતું જે અનિષ્ટ પરિણામ તે અષ્ટમીના દિવસે સૌથી ઓછું હોય છે. ચતુર્થીથી લઈને અષ્ટમી સુધી ઇષ્ટ પરિણામ ચડતી કલ્પપર રહે છે અને તે અનિષ્ટ પરિણામથી બચવા માટેની યોજના તે ઉપવાસ છે.
ઉપરનાં વિવિધ વિચાર અને સૂર્ય-ચંદ્રની જીવન પર થતી વૈજ્ઞાનિક અસર અને તેનાં દ્વારા ચતુર્થીથી અષ્ટમી સુધી જે ઇષ્ટ પરિણામની ચઢતી કલ્પ હોય છે, તેનાં સંરક્ષણ માટે ઉપવાસ એ કવચ છે. તે કારણે હિંદુ જગતમાં શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થીમાથી તેનો ઉપવાસ આદરણીય મનાયો છે અને જૈન સૃષ્ટિમાં પંચમીનો તેમજ અષ્ટમીનો ઉપવાસ પરમ આવકાર પાત્ર મનાયો છે.
ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુથી અને માનવજીવનની શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિજ્ઞાન શૈલીથી દર પક્ષમાં ત્રણ ઉપવાસ પરમ આદરણીય સિદ્ધ થાય છે. પછી તિથિમાં ચતુર્થી અને પંચમી, અષ્ટમી અને એકાદશી, પૂર્ણિમાં અગર કૃષ્ણચર્તુદશી ગમે તે ત્રણ દિવસોમાં ઉપવાસનું વ્રત જીવનબળની રક્ષા કરનાર અને વૃદ્ધિ કરનાર છે.
ઉપવાસથી શરીરનાં રોગ બીજકો નાશ પામે છે અને આરોગ્યની વૃદ્ધિ થાય છે એ વાત ને લક્ષ્ય પર રાખીને ચંદ્ર-સૂર્યની ગતિથી થનારું જે અનિષ્ટ છે, તેનાથી બચવા માટે વિશ્વબન્દુત્વની ભાવનાવાળા તથા સર્વભૂતહિત જીવતા જીવતા મહાપુરુષોએ ધર્મની કલ્યાણસાધક સાધના તરીકે ઉપવાસને સ્થાન આપ્યું છે. ઉપવાસ સાથે વણાયેલું શરીર વિજ્ઞાન (એનોટમી) :
શરીર યંત્રમાં જોઈ શકશો કે સારાએ શરીરની પ્રવૃત્તિનું કાર્ય આત્મપ્રેરિત ઇંદ્રિયો અને મનમાં સંચાલન દ્વારા થઈ રહી છે. એટલે કે દરેક ઇંદ્રિયો અવિશ્રાંત કાર્ય કરી રહી છે. પણ કેટલીક ઇંદ્રિયો એવી છે કે તેને અવાર નવાર વિશ્રાંતિ મળે છે.
શરીરનાં સંચાલક યંત્રો હૃદય (કર્તાશય), ફેફસા, પક્વાશય અને અન્નનળી છે. બીજી બાજુ જેને આરામ મળી શકે છે તે નેત્ર, કાન વગેરે જ્ઞાનેન્દ્રિયો છે. જયારે કર્મેન્દ્રિયો કર્મ પરાયણ રહે છે.
અનુભવથી જણાય છે કે જ્યારે નિંદ્રા લેવાય છે ત્યારે “મન”ને આરામ મળે છે. પણ માનસશાસ્ત્ર વેત્તાઓની માન્યતા છે કે નિંદ્રા વખતે પણ મનનો એક ભાગ પ્રવૃત્તિમય હોય છે. અર્થાત્ તેનું કામ તો ચાલુ જ છે. તેથી મનનો એક ભાગ આરામ લે છે. એટલે મન પ્રવૃત્તિ વિના રહેતું નથી.
આ શરીર યંત્રના પ્રત્યેક અવયવો કામ કરવાથી પરિશ્રમ પામી જાય છે અને રાત્રે અવયવોને વિશ્રાંતિ મળતાં તે પરિશ્રમ દૂર થાય છે. એ દૃષ્ટિએ દરેક ઇંદ્રિયોને વિશ્રાંતિ મળી શકે એ ધ્યેય પણ ઉપવાસમાં આવશ્યક મનાયું છે.
-(૨૮૯)