________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ગુરુભાવનાને પોતાની યોગ્યતાની પ્રતીતિ કરાવી જોઈએ. જો ગુરુભગવન્તને શિષ્યમાં યોગ્યતાની પ્રતીતિ થાય તો એમને સ્વયં અંદરથી જ્ઞાન આપવાનો ઉમળકો આવે.
ગાય જો ન ઇચ્છે અને વાછરડું ગમે તેટલું દૂધ પીવાનો પ્રયત્ન કરે તો દૂધ ન મળે અને જો દૂધ દબાણથી આવે તો તેનાથી પોષણ ન મળે. ગાયને વાછરડા પ્રત્યે વાત્સલ્ય જાગે અને એનાથી દૂધની ધારા છૂટે પછી વાછરડું ધરાઈ પી લે અને એનાથી એને સાચું પોષણ મળે.
તેમ ગુરને શિષ્યની યોગ્યતા જોઈને તેના પ્રત્યે વાત્સલ્યભાવ જાગે અને વાચના આપવાનું સ્વયં મન થાય.
આ લાયકાત પૂર્વે વર્ણવેલા તપની સાધના દ્વારા પેદા કરવાની છે. અને યોગ્યતા આવ્યા પછી ગુરુ વાચના આપે અને તે શિષ્ય ઝીલે તો એનો આત્મવિકાસ થાય.
જેનાથી આત્મવિકાસ થાય તે જ સાચો સ્વાધ્યાય તપ કહેવાય. આ બધા તપ ન હોય તો યોગ્યતા ન પ્રગટે અને યોગ્યતા પ્રગટ્યા વિના ગુરુ જ્ઞાન આપે નહિ અને ગુરુ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થયા વિના સ્વાધ્યાય તપ પ્રગટે નહિ.
ગુરુ કૃપા વગર જ્ઞાન ન પરિણમે. પોથી-પુસ્તક વાંચીને કદાચ પંડિત બની જવાય પણ જ્ઞાની ન બનાય પરિણામલક્ષી જ્ઞાન હોય તો જ જ્ઞાની બનાય એ ગુરુકૃપા વિના ન મળે.
ગુરુની કૃપા વગરનું જ્ઞાન એ જ્ઞાન નથી માત્ર વિદ્વતા છે. એવી વિદ્વત્તાથી આત્મકલ્યાણ સધાતું નથી.
ગુરુની કૃપા વગરનું જ્ઞાન પરિણામ પામતું નથી. (૨) પૂછણાઃ અધ્યયન કરતા સમયે ઘણી વાતો એવી આવે છે કે ક્યારેક ખબર પણ પડતી નથી. અથવા એમાં કોઈક પ્રકારની શંકાઓ થાય છે. ત્યારે પોતાના ગુરુ પાસે અથવા જે વધારે જ્ઞાની હોય એમની પાસે જઈને વિનયપૂર્વક પૂછવું અને એમની પાસેથી સમાધાન પ્રાપ્ત કરવું આ પૂછણા છે.
પૂછણા સ્વાધ્યાય અથવા જ્ઞાનપ્રાપ્તિનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. કારણ કે શંકા અને જીજ્ઞાસા થવી તે મનુષ્યનો સહજ સ્વભાવ છે.
પૂછણામાં બે વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પૂછણા-જિજ્ઞાસાપૂર્વકની હોવી જોઈએ. માત્ર આડા-અવળા કે દ્વેષ યુક્ત વિવાદયુક્ત હોય એવા પ્રશ્નો ન કરવા જોઈએ. પ્રશ્નમાં શુદ્ધ જિજ્ઞાસા, જ્ઞાનપ્રાપ્તિનો નિર્દોષ ઉદેશ હોવો જોઈએ.