________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
તપસ્યામય જીવન તથા નૈતિક જીવન પરસ્પર સાપેક્ષ પદ છે. ત્યાગ અથવા તપસ્યા વગર નૈતિક જીવનની કલ્પના અપૂર્ણ છે. તપ નૈતિક જીવનનો તેજ છે, શક્તિ છે. તપ વગરની નૈતિકતા ખોખલી છે. તપ નૈતિકતાનો આત્મા છે. નૈતિકતાનો વિશાળ મહેલ તપસ્યાની નક્કરતા પર ટકી રહેલ છે. તપ નૈતિકતાની ભૂમિ છે, આધાર છે.
નૈતિક જીવનની સાધના કદાચ પૂર્વમાં વિકસિત થઈ હોય, પરંતુ પશ્ચિમમાં તો આ સાધના હંમેશા તપથી જ ઓતપ્રોત રહી છે. નૈતિકતાની સૈધાન્તિક વ્યાખ્યા ભલે તપના અભાવમાં સંભવ હોય, પરંતુ નૈતિક જીવન તપના અભાવમાં સંભવ નથી.
ભારતીય નૈતિકતાની વિચારણાઓનો આચાર દર્શનનો પ્રશ્ન છે. એમાંથી લગભગ બધાનો જન્મ તપશ્ચર્યામાંથી જ થયો છે. બધા એમાંથી જ મોટા થયા છે અને વિકસિત બન્યા છે.
તપ સાધના ભારતીય નૈતિક જીવન તથા સંસ્કૃતિનો પ્રાણ છે. વિધ્વવર્ય શ્રી ભરતસિંહ ઉપાધ્યાયના શબ્દોમાં ભારતીય સંસ્કૃતિમાં જે કાંઈ પણ શાશ્વત છે. જે કાંઈ પણ સુંદર તથા મહત્વપૂર્ણ તત્ત્વ છે, તે બધા જ તપસ્યાના કારણે છે. તપસ્યાથી જ આ રાષ્ટ્રનું બળ અને તેજ ઉત્પન્ન થયું છે. તપસ્યા માત્ર ભારતીય દર્શનશાસ્ત્રની જ નહિ પરંતુ સમસ્ત ઇતિહાસની પ્રસ્તાવના છે. પ્રત્યેક ચિંતનશીલ પ્રણાલીકાઓ ભલેને આધ્યાત્મિક હોય કે આધિભૌતિક બધી તપશ્ચર્યાની ભાવનાથી યુક્ત છે. તેના વેદ, વેદાંગ, દર્શન, પુરાણ, ધર્મશાસ્ત્ર આદિ બધાં વિદ્યાના ક્ષેત્રજીવનની સાધનારૂપ તપસ્યાના એકનિષ્ઠ ઉપાસક છે.” આધ્યાત્મિકતા
આહારસંજ્ઞા ખૂબ ભયંકર છે. આ આહાર સંજ્ઞામાંથી જ બધા સંકલેશો ઉભા થાય છે. બાળક જન્મે છે ત્યારે આહાર માટે રડી રહ્યો હોય છે અને એ જ આહારમાંથી બીજા સંકલેશોમાં જીવ પડે છે. આહાર સંજ્ઞામાંથી જ દરેક સંજ્ઞાઓનો જન્મ થાય છે માટે તપ એ આહારસંજ્ઞાને દૂર કરવા માટેનું પ્રબળતમ સાધન છે એટલે કે દરેક પ્રકારના દોષોનું, કોઈ પણ જાતના ગુનાનું પ્રાયશ્ચિત તપથી અપાય છે.
આ જગતની અંદર જેટલા માણસો દુષ્કાળથી મર્યા નથી તેનાથી વધારે માણસો વધુ ખાવાથી મરી ગયા છે અને વધુ ખવડાવવાનું કામ જીભ કરે છે. દારૂગોળાની અંદર જો દાબીને દારૂગોળો ભરવામાં આવે તો દુશ્મનનો નાશ કરવા જતાં પોતાનો નાશ થાય છે. એન્જિનના બોયલરની અંદર પણ વધારે પડતી વરાળ ભેગી કરાય તો બોયલર ફાટે છે તે રીતે પેટની અંદર વધારે ભરવાથી લાભના બદલે હાનિ થાય છે અને સાવધ ન રહીએ તો મરણને શરણે થવું પડે છે.