________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વૈજ્ઞાનિકોએ હમણાં એક પ્રયોગ કર્યો તેમાં ત્રણ ઉંદરને લીધા, એક ઉંદરને દિવસમાં ત્રણવાર ખાવા આપ્યું તો તે ઉંદર મરી ગયો, બીજો ઉંદર જેને દિવસમાં એક જ વખત ખાવાનું આપ્યું તે મરી ગયેલા ઉંદર કરતા કંઈક અશક્ત દેખાયો, ત્યારે ત્રીજો ઉંદર જે ઘરડો હતો તેને બે દિવસે એક વખતે જ ખાવાનું આપ્યું તો તે જુવાનની જેમ દોડતો થઈ ગયો હતો.
તપ દ્વારા ઓછુ ખાવાવાળાને બધા ચાહે છે. ઓછું ખાવાવાળાની બુદ્ધિ પણ સારી રહે છે. વિચાર પણ સારા રહે છે. કોઈ પણ ઠેકાણે તે ભારે પડતો નથી. આરોગ્ય સારું રહે છે એટલે ડૉકટરના દવાખાના પણ શોધવા પડતા નથી. દવાનો ખર્ચ પણ બચી જાય છે જેના કારણે એ પૈસા શુભ ખાતામાં વાપરવા હોય તો વાપરી પણ શકાય છે.
આજે હોટલો, રેસ્ટોરન્ટો, લોજો, કલબો જેમ જેમ વધી તેમ તેમ રોગો પણ વધ્યા છે. જેથી જેટલા ડૉકટરો હોય તેટલા ઓછા પડે છે. દવાખાનામાં દવા લેવા માટે લાઈનો લાગે છે. નિત્ય નવી દવાઓ શોધાય છે. તેની સાથે અવનવા રોગો પણ ફેલાય છે. આજના રોગો ખર્ચાળ બની ગયા છે. ઓછા પગારવાળાને જો દવા લેવી પડે તો દવા માટે અનીતિ પણ કરવી પડે છે. જુઠું પણ બોલવું પડે છે. ચોરી પણ કરવી પડે છે.
આજના ભણતર યુગમાં - ગરીબી યુગમાં, પેટ અને પૈસા ખાતર બદમાશીના પાપ કરતા માણસ અચકાતો નથી માટે જ જ્ઞાની ભગવન્તોએ તપ પર ખૂબ જ ભાર મૂક્યો છે.
તપથી આત્મા પર લાગેલા રોગો તો નાશ પામે જ છે પરંતુ શરીરના પણ રોગો નાશ પામે છે માટે જ કહ્યું છે કે તપ એ આત્માની બ્રેક છે. ગમે તેવી મોટર ઝપાટા બંધ ચાલતી હોય, સારી હોય, પરંતુ બ્રેક ન હોય તો તે મોટર અકસ્માતને આમંત્રણ આપે છે. હોડીની અંદર પણ ગમે તેવી એશ-આરામની સામગ્રી હોય, રેડીયો કે ટી.વી. હોય, એરકન્ડીશન હોય પણ હોડીમાં કાણું હોય તો એ હોડી ડુબાડે છે તેમ જીવન એ હોડી છે. સંસાર એ ભયંકર સાગર છે. તપશ્ચર્યા દ્વારા જીવનરૂપી હોડીના કાણાને પૂરી દેવાય તો સંસાર સાગરને સારી રીતે કરી શકાય.
ઘડીયાળમાં મશીન ગમે તેટલું સારું હોય છતાં પણ તેમાં જો બે કાંટા જ ન હોય તો એ ઘડીયાળ નકામું છે તેવી જ રીતે જીવનની અંદર બીજા ગમે તેટલા ગુણ હોય પરંતુ તપ અને ત્યાગરૂપી કાંટા ન હોય તો એ જીવનરૂપી ઘડીયાળ નકામી છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે
अप्पा चेव दमेअव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य ।