________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
બાહ્ય તપ પર જોર એટલા માટે છે કે એનાથી દેહાધ્યાસ દેહમમતા ઘટતી જાય તો પોતાના આત્માની મમતા જાગતી જાય ને આભ્યન્તર તપ માટે આત્માને જાગૃત કરે.
બાહ્ય તપ માત્ર કર્મના ક્ષય માટે જ નથી, પરંતુ નવા કર્મોને લઈ આવનાર આશ્રવો, ઇંદ્રિયોઅવિરતિ, શરીર મમત્વ અને આહાર મતત્વરૂપી કષાય તથા અશુભ મન-વચન કામયોગને રોકવા માટે પણ છે.
આશ્રવો પાંચ છે. (૧) ઇંદ્રિય (૨) કષાય (૩) અવ્રત (૪) યોગ (૫) ક્રિયાઓ. ઇંદ્રિયોને એના વિષયમાં જવા-રાચવાની જેટલી છૂટ એટલો આશ્રવ છે. વૃત્તિસંક્ષેપ અને રસત્યાગથી એના પર કાપ પડે. જો એ ન હોય તો એનો અર્થ એ કે ઇંદ્રિયોને છૂટી રાખવી છે. કષાયો એટલે રાગદ્વેષ વગેરે થાય તે “અનશન' એટલે ઉપવાસ આદિ તપ ચોવિહાર આદિ પચ્ચકખાણ અને દિવસના ખાનપાનનાં ટંકનું નિયમન એનાથી ખાવા પર રસના અંકુશમાં આવે જો એ હોય તો એનો અર્થ એ કે રસનાની બોલબાલા છે. એમ ધમર્થ કાયકષ્ટથી કાયા પરનો રાગ કષાય કંઈક દબાય જો એ કાયકષ્ટથી ભાગેડાપણું હોય તો એનો અર્થ એ કે એ રાગકષાય મહાલતો છે. સંલીનતાથી મન-વચન-કાયાના અશુભ યોગ દબાય પણ જો સંલીનતા નહિ હોય તો એ અશુભ યોગો મહાલતા રહેવાના. આ બાહ્ય તપ આ આશ્રવોને રોકનાર બને છે. તેથી નવા કર્મો બંધાતા અટકે અને સંજ્ઞાઓ-વાસનાઓ મોળી પડતી જાય.
તપનું વિધાન તો જગતના લગભગ બધા જ ધર્મોમાં થયેલું છે પણ તે સંબંધી જેવી અને જેટલી ઊંડી વિચારણા જૈન ધર્મે કરી છે તેટલી બીજા કોઈપણ ધર્મે કરી નથી. સમજણપૂર્વક આ પ્રમાણે સર્વજાતના બાહ્ય તપની તાલિમ લઈને શરીરને કસવાથી સુખશાળીઆપણું ચાલી જાય છે. તેથી દુઃખ કષ્ટ પડયે, તે સમભાવે સહન કરવાની શક્તિ કેળવાય છે.
બાહ્યતપ આવ્યંતર તપને ઉપકારી, સહાયકારી થાય છે એટલે અવશ્ય યથાશક્તિ કર્તવ્ય છે. પણ તન, મન, વચનની સ્કૂર્તિ સર્વથા હણાઈ જાય એમ ગજા ઉપરવટ થઈને કે ક્રિયા જડપણે તપ કરવો નહિ.
કેવળ કાયાકલેશરૂપ તપ છે બાળતપ કે અજ્ઞાનતપ છે. તપ જ્ઞાનપૂર્વક હોય તો જ વાસ્તવિક કલ્યાણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દેહથી ભિન્ન એવા આત્મ સ્વરૂપને નથી જાણતો એવો અજ્ઞાની કરોડો વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતો નથી તે કર્મ જ્ઞાની એક શ્વાસોશ્વાસ માત્રમાં ક્ષીણ કરે છે.
બાહ્યતપમાં શરીર-કચ્છની મુખ્યતા જણાય છે. તેનો હેતુ શરીર ઉપરના મમત્વનો ત્યાગ કરવાનો છે. એટલે શરીર અને ઇંદ્રિયોમાંથી ઉપયોગ ખેંચી લઈને સૂત્ર જ્ઞાનથી જાણેલા આત્મ પ્રદેશોમાં ઉપયોગ રાખવાનો અભ્યાસ કરવાનો છે, કે જેથી શરીરના દુ:ખમાં ધ્યાન ન જાય અને અનંતી નિર્જરા થાય તેમ જ હેતુ સાર્થક થઈ. પાર પડે.